________________
મુનિ અને સોની સંબંધી વાત ફરતી ફરતી રાજા શ્રેણિકને કાને પહોંચી. એ ઝેર જેવી હકીકત સાંભળીને એનાં નેત્ર લાલચોળ થયા અને એણે મુનિની હત્યા કરનારાને સહકુટુંબ હણવાનો આદેશ કર્યો. પણ તે જ ક્ષણે એ હત્યારા સોનીએ પણ ઘર બંધ કરી અંદર સહકુટબ પ્રવ્રજ્યા ગ્રહણ કરી. કારણકે મૃત્યુ સમાન ભય નથી. પછી દીક્ષિત થયેલા એ સર્વે રાજાની સમક્ષ ગયા અને એને ધર્મલાભ પૂર્વક આશીર્વાદ દીધો કે “હે રાજન જેમ સૂર્ય તેજના અંબારવડે વૃદ્ધિ પામે છે તેમ તારાં ધર્મ કાર્યો પણ વૃદ્ધિ પામતાં રહેજો. જૈનધર્મને વિષે દઢતાવાળા રાજા શ્રેણિકે પણ એ સોનીને વળતું ખાસ કરીને કહ્યું કે-જ્યાંસુધી તું જીવે ત્યાં સુધી આ તારા ચારિત્રને સારી રીતે પાળજે. હું તને એટલા માટે જ છોડી મૂકું છું.” અહો ધન્ય છે પંડિત પુરુષોને કે તેઓ સાધારણજનોને બોધ આપીને કે છેવટ બળ પણ વાપરીને પાપકાર્યો કરતાં અટકાવી શુદ્ધધર્મ પમાડે છે.
શ્રી અભયકુમાર મંત્રીશ્વર જીવનચરિત્રનો
છઠ્ઠો સર્ગ સમાપ્ત
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)