________________
કહ્યું-આ તારો આવા ગુણવાળો છાગ છે તે થોડા દિવસ અમારે ત્યાં પણ મૂકી જા. અહો ! પોતાની સ્ત્રીની પેઠે લક્ષ્મી પણ કોને પ્રિય નથી ? શેઠે હા કહી છાગ આપ્યો એ અભયકુમારે રાજાના મહેલમાં બાંધ્યો. જુઓ ! માનવજનનું કે પશુનું, તેઓ જે કાર્ય કરી આપે છે તેને લીધે જ ગૌરવ થાય છે.
હવે શ્રેષ્ઠિને ઘેર મણિ મૂકતો હતો તે છાગ રાજાને ત્યાં તો ભૂત પણ ભાગી જાય એવી ઉત્કટ ગંધવાળી બહુ લીંડી મૂકવા લાગ્યો. એટલે અભયકુમારને નિશ્ચય થયો કે જરૂર એ કોઈ દેવની માયા છે. તેણે વળી એની પરીક્ષા કરવા માટે એ શેઠને કહ્યું કે “શ્રેણિક રાજાને ચૈત્યવંદન કરવા વૈભારગિરિ પર જતાં (તાપને લીધે) કષ્ટ વેઠવું પડે છે, માટે એમના રથને ત્યાં જતાં રાજમાર્ગની જેમ લેશ પણ તાપ ન લાગે એમ કરી આપો.” અભયકુમારે એવી માગણી કરી એટલે તુરત રથને જવાને માર્ગે દેવશક્તિથી વાદળાં ચઢી આવ્યાં અને તેને લીધે છત્રછાયા થઈ રહી. ફરીથી વળી બીજું અભયકુમારે પેલાને કહ્યું-આ નગરના કોટને તું સુવર્ણમય (સોનાનો) કરાવી આપ. ખરેખર વિચક્ષણ પુરુષો બીજા પાસે એવું જ કાર્ય કરાવે છે કે જે આશ્ચર્યભૂત અને દુષ્કર હોય. પણ દેવતાએ તો ઈન્દ્રજાલિકની જેમ તત્ક્ષણ નગરનો કોટ સુવર્ણનો કરી દીધો.
એટલે પછી અભયકુમારને પણ તેને રાજપુત્રી આપવાનું મન થયું તેથી એને કહ્યું–જો તું સમુદ્રના મોજાથી સ્નાન કરે તો રાજા તને પોતાની પુત્રી આપે. ખરું જ છે કે વિચક્ષણ પુરુષ મલિન એટલે અણધોયેલા મુખે તિલક કરતો નથી. અભયકુમાર કહે છે ત્યાં તો પૃથ્વીમાંથી ફૂંફાડા મારતા સર્પોના ગુંછળાને ગુંછળા નીકળી આવતા હોય અથવા ક્યાંકથી યુદ્ધ કરવાને જોશબંધ મહાસેના વહી આવતી હોય એવો લોકોને ભાસ કરાવતો, પ્રચંડ વાયુ અને પુષ્કળ રેતી ઉછાળતો, તથા મહાન ગર્જના કરતો રત્નાકરસાગર ધસતો આવતો દેખાયો. તે જાણે પોતાના ઉછળી રહેલા મોજાંરૂપી હસ્તો ઊંચા કરીને (પોતાના) પુત્ર ચંદ્રમાને આલિંગન દેવાને
૧. ચંદ્રમા સમુદ્રમાંથી નીકળ્યો-ઉત્પન્ન થયો કહેવાય છે માટે સમુદ્રનો પુત્ર. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ છન્નુ)
૩૧