________________
જિનેશ્વરે અનુમતિ આપીને કહ્યું કે વિવેકી સજ્જનોને એ યુક્ત જ છે. માટે હે ચતુર કૃતપુણ્ય ! એમાં નિમેષ માત્ર પણ વિલંબ કરવો નહીં.
પછી અત્યંત આનંદના પૂરથી પૂર્ણ થઈ ગયું છે મન જેનું એવા કૃતપુણ્ય પ્રભુને નમી ઘેર જઈ પોતાના કુટુંબીજનોને ભેગા કરી પોતાની સંસારત્યાગ કરવાની ઈચ્છા જણાવી; અને ગૃહનો સમસ્ત કાર્યભાર, વિક્ષેપ ન થાય એવી રીતે, પુત્રોને સોંપ્યો. પછી ઉત્તમોત્તમ ભાવના સહિત વિશાલ શિબિકામાં આરૂઢ થઈ સંધ હસ્તિની જેમ દાન દેતો, નગરને વિષે ફરતો ફરતો પત્ની સહવર્તમાન સમવસરણે પહોંચ્યો. શ્રેણિકરાજાએ પોતે પાસે રહીને કરાવ્યો હતો એવા આ દીક્ષા-ઉત્સવમાં સ્થળે સ્થળે બંદિજનોના વૃંદ મંગળિક શબ્દોનો ઉચ્ચાર કરી રહ્યા હતા; અને લોકો પણ “ધન્ય છે આ કૃતપુણ્યને કે જેણે પોતાને પ્રાપ્ત થયેલી લક્ષ્મી યથારૂચિ ભોગવી જાણી, આપી જાણી અને ગૃહવાસનું ફળ મેળવી જાણ્યું ! અહો ! આ સર્વ સુંદર કરીને હવે એ શ્રી વીરપ્રભુના ચરણ સમીપે વ્રત લેવા ચાલ્યો ! એણે એનો માનવભવ સત્યમેવ સાર્થક કર્યો !” એવું એવું બોલી સર્વત્ર એની પ્રશંસા કરી રહ્યા હતા.
સમવસરણ પાસે જઈને કૃતપુણ્ય શિબિકા થકી ઉતર્યો, પણ ભાવના થકી ઉતર્યો નહીં. વળી પછી એણે સમવસરણને વિષે પ્રવેશ કર્યો ત્યારે સાથે સર્વ જનના ચિત્તને વિષે પણ પ્રવેશ કર્યો. પ્રવેશ કરી પ્રભુને નમીને પ્રદક્ષિણા દઈ એમની સન્મુખ આવી કહેવા લાગ્યો-હે નાથ ! આ સંસારસાગરથકી મારો શીધ્ર વિસ્તાર કરો. એટલે પ્રભુએ એને સ્ત્રીસહવર્તમાન પોતાને હાથે દીક્ષા આપી. અહો ! જિનેશ્વરનો હસ્ત અત્યંત ભાગ્યશાળી હોય એના મસ્તક પર જ હોય ! દીક્ષા આપી કે તુરત જ સર્વ દેવોએ અને મનુષ્યોએ કૃતપુણ્યમુનિને વંદન કર્યું. અથવા તો મુનિ મહાત્માને કોણ ન નમે ? પછી અભ્યાસને માટે કૃતપુણ્ય મુનિને પ્રભુએ ગણધરને સુપ્રત કર્યા; અને જયશ્રી આદિ સાધ્વીઓને અન્ય સાધ્વીઓને સુપ્રત કરી.
૧. પાછો હક્યો નહીં. અર્થાત એનો વૈરાગ્ય વધતો જ ગયો. ૨. સર્વેનાં ચિત્ત એના તરફ આકર્ષાયાં.
૨૨૪
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)