________________
તારું આભરણ સંતાડ્યું છે એવો તને સંશય ઉપજતો હોય તો તું કહે તેવું વિષમ દિવ્ય કરીને તારો સંશય ભાંગુ કારણકે વસ્તુ નષ્ટ થાય ત્યારે બીજું શું થાય ? વળી મારા ઘરમાં જો એટલું દ્રવ્ય હોય તો તો હું યે તને એવું બીજું ઘડાવી આપું ! એ સાંભળી ભદ્રે કહ્યું-ભલા માણસ ! આ બધો વાગાડંબર પડતો મૂક. કંઈક તો વિચાર કર. મારું આભરણ રાખીને દિવ્ય કરવાની વાત કરી પડેલાની ઉપર શા માટે પ્રહાર કરે છે ? આથી હું કંઈ તારી મૈત્રી છોડવાનો નથી. આ આભૂષણ નથી ગયું પણ તારી પ્રતિષ્ઠા ગઈ છે એમ સમજ્જ. આમ કહી ભદ્ર મૌન રહ્યો; કારણકે બહુ બોલવાથી કંઈ સિદ્ધિ થતી નથી. પણ ત્યારથી ભદ્ર, ચંદ્રની લક્ષ્મી ઉપાડી જવાના ઉપાયો શોધવા માંડ્યા. એટલામાં તો આવાને આવા જ અનિષ્ટ મન પરિણામમાં એનું મૃત્યુ થયું; એનો જીવ રત્નાપણે ઉત્પન્ન થયો; કારણકે કર્મરૂપી શિલ્પશાસ્ત્રી પોતાની ઈચ્છા પ્રમાણે સ્ત્રી કે પુરુષ નીપજાવે છે.
વળી પૂર્વભવમાં ચંદ્રનું દ્રવ્ય હરી લઈ જવાના ઈરાદાને લીધે આ ભવમાં એને નિર્ધનપણું પ્રાપ્ત થયું; કારણકે કર્મની ગતિ વિચિત્ર છે. પાછળથી ચંદ્રને પણ પશ્ચાત્તાપ થયો કે-મેં મિત્રને ઠગ્યો એ ઠીક કર્યું નથી. અન્ય કોઈને છેતરવું એ સારું નથી તો પછી મિત્રને એમ કરવું એ તો કેટલું ખોટું ? આમ પશ્ચાત્તાપ કરતાં એના કર્મ કંઈ ક્ષીણ થયા-અને એવામાં એ પણ પંચત્વ પામ્યો; કારણકે કોઈનો આજે તો કોઈને કાલે એજ માર્ગ છે. પછી ત્યાંથી આ જ રત્નાના પુત્રપણે એ ઉત્પન્ન થયો. (અહો ! પ્રાણીમાત્ર પાસે આવું વિવિધ નાટ્ય કરાવતી ભવિતવ્યતારૂપી નટીને ધિક્કાર છે !) એમાં વળી બંનેને પૂર્ણ દરિદ્રી અવસ્થા પ્રાપ્ત થઈ. પછી ત્યાંથી રત્નાનો જીવ ગણિકારૂપે ઉત્પન્ન થયો અને એના પુત્રનો જીવ તું ધનાઢ્ય કૃતપુણ્ય થયો. તેં એનું આભૂષણ રાખ્યું હતું તેથી એ તારું સર્વસ્વ હરી ગઈ; કારણકે કર્મ જધન્યપણે દશગણું ફળ આપે છે.
૧. પરીક્ષા પસાર કરીને. પોતાની વાત સત્ય છે એવું પુરવાર કરવા માટે પૂર્વે માણસો ઉકળતા તેલમાં હાથ બોળતા, ઉગ્ર સર્પહાથમાં લેતા ઈત્યાદિ “દિવ્ય' કરતા કહેવાય છે.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૨)
૨૧૬