________________
પ્રકૃતિવાળા નરેશ્વરે રાજપુત્રી ચેલ્લણાની સાથે ગાંધર્વવિધિએ વિવાહ કર્યો; કારણ કે આવી રીતે પતિપત્ની થયેલાઓને વિસ્તાર શોભે ખરો ?
પછી અભયને સાથે લઈ જઈ શ્રેણિકરાજાએ નાગસારથિને અને તેની સ્ત્રીને તેમના પુત્રનું સર્વ સ્વરૂપ કહી સંભળાવ્યું; કારણ કે પુરુષો
વ્યથાકારી વચન મહાદુઃખે ઉચરે છે. પોતાના પુત્રોની એવી, કર્ણને વિષે વિષસમાન હકીકત સાંભળીને તેઓ વિલાપ અને રૂદન કરવા લાગ્યા; કારણ કે મહાપ્રયાસે પ્રાપ્ત કરેલા પુત્રનો એક સાથે વિયોગ થાય તે અત્યંત દુ:સહ છે.
“અરે નિર્દય અને પાપી કૃતાંત (કાળ, યમ) ! તું પારકું સુખ જોઈ શકતો નથી; નહીં તો તેં અમને આવી રીતે, એક પ્રવાહણની પેઠે, દુઃખસમુદ્રમાં શા માટે ફેંકી દીધા ? અરે ! અમારા નિર્દોષ પુત્રોને એક સાથે અકાળે હરી જનારા દુરાચારી કાળ ! જેવી રીતે સહસઘાતી વિષ સર્વ વિષોને વિષે, તેમ તું સર્વ ખલપુરુષોને વિષે અગ્રેસર પદવી ધારણ કરે છે. પણ કદાચિત તારું કહેવું એમ હોય કે મારા પુત્રોએ તારો કંઈ અપરાધ કર્યો છે, તો, હું પૂછું છું કે સર્વે એ તો નથી કર્યો ને ? કારણ કે આ અખિલ વિશ્વ (પૃથ્વી પરના તમામ માણસો) ક્યાંય દુર્દાન્ત' હોય એ ઘટતું નથી. વળી કદાપિ તું એમ કહીશ કે (સર્વેએ અપરાધ નથી કર્યો પણ) થોડા એ (તારો અપરાધ કર્યો હતો), તો (હું કહું છે કે, હે કર્મચાંડાળ ! તેં સર્વના પ્રાણ લઈને, આ લોકમાં, તારો સમવર્તિભાવ અગ્નિના સમવર્તિભાવની જેમ પૂર્ણપણે સત્ય કરી આપ્યો છે. અથવા તો, તું તો રાંક છો, તારો લેશમાત્ર દોષ નથી; એતો અમારા ક્ષીણ ભાગ્યનો જ દોષ, કે ગુણનો નાશ થવાથી હારમાંથી મુક્તાફળ જતાં રહે તેમ અમારા પુત્રો અમારા હાથમાંથી જતા રહ્યા. અથવા તો, દેવતાએ પ્રથમથી જ કહ્યું હતું કે-તારે પુત્રો થશે તે સર્વ સમાન આયુષ્યવાળા થશે; અને તેવા યોગના વશે થયું પણ તેમજ; કારણ કે દેવતાનું વચન વૃથા થતું નથી.”
૧. ઉદ્ધત. ૨. નિષ્પક્ષપાતીપણું. ૩. ગુણ (૧) પુણ્યરૂપી ગુણ; (૨) દોરી.
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (ભાગ-૧)