________________
જ્ઞાન અને ક્રિયાને ચઢવાને માટે થડરૂપ ચરણ છે જેમને એવા; વળી જેમને હસ્ત એ શાખાઓ છે; આંગળીઓ પ્રશાખા છે; નખરૂપ પલ્લવો છે; દંતપંક્તિરૂપ પુષ્પો છે; ઓષ્ઠરૂપી મકરંદ છે; ચક્ષુરૂપી ભ્રમરો છે; કર્ણલતારૂપ સરસ્વતી અને સંયમશ્રીને હિંચકવાના હિંચકા છે; મોક્ષરૂપી ઉત્કૃષ્ટ ફળ છે; અને ભાલ અને નાસિકાવંશરૂપી, સરસ્વતી દેવીએ હિંચકતી વખતે (તે વૃક્ષ ઉપર) સ્થાપન કરેલા અલાબુ અને વીણાદંડ છે;-એવા, વિબુધોથી સેવાતા, જંગમ કલ્પવૃક્ષરૂપ શ્રીજિનેશ્વરસૂરીંદ્ર મનવાંછિતને પૂર્ણ કરો.'
સર્વ વિદ્યારત્નના સાગર, ઉદાર તથા નિર્મળ ચિત્તવાળા અને સર્વ સાધુઓના શિરોમણિ શ્રી વિજયદેવસૂરિને હું નમસ્કાર કરું છું;-કે જેમની પાસેથી અર્થગ્રંથિને પ્રાપ્ત કરીને, મંદબુદ્ધિ એવો પણ હું, વણિકપુત્રની પેઠે જ્ઞાનરૂપી ઋદ્ધિવાળો થાઉં.
જેની કૃપારૂપ નિસરણીને પ્રાપ્ત કરીને જડપુરુષ પણ કવિ પ્રબંધરૂપ મહેલ પર સુખેથી ચઢી શકે છે એવી, જિનેશ્વર ભગવાનૂના મુખકમળને વિષે વસનારી, અને ચિંતામણિની પેઠે ઇચ્છિત ફળ આપનારી સરસ્વતીદેવીને હું જીવું છું.
૧. વિબુધો : (૧) વિદ્વાન લોકો (૨) દેવતાઓ. ૨. કલ્પવૃક્ષ સ્થાવર હોય માટે જંગમ મુનિની સાથે સાદેશ્ય ન બેસે–એ વિસંવાદિપણું દૂર કરવાને માટે કલ્પવૃક્ષને જંગમ' એ વિશેષણ આપ્યું છે. ૩. અહીં જિનેશ્વરસૂરિને કલ્પવૃક્ષની સાથે સરખાવ્યા છે : કલ્પવૃક્ષને થડ-શાખાઓ-પ્રશાખાઓ-પલ્લવો-પુષ્પો-મરકંદ(રસ) અને ભ્રમરો,તેવાં જ સૂરિને ચરણ-હસ્ત-આંગળીઓ-નખ-દંતાવળી (દાંતની હાર)-ઓષ્ઠ અને ચક્ષુ; કલ્પવૃક્ષને દેવીઓને હિંચકવાની લતા હોય તેમ અહીં સૂરિને, સરસ્વતી દેવીને અને ચારિત્રલક્ષ્મી દેવીને હિંચકવાને બે કર્ણરૂપી લતાઓ; કલ્પવૃક્ષ ફળ આપે છે એમાં મુનિથી-મુનિની દેશના (ધર્મોપદેશ)થી- દેશનાના શ્રવણ-ધારણ-નિદધ્યાસથી મોક્ષરૂપી ઉત્કૃષ્ટ ફળ પ્રાપ્ત થાય છે. આટલા સાદેશ્યથી બસ ન હોય તેમ ગ્રંથકર્તા હજુ વિશેષ સાદશ્ય કહે છે : સરસ્વતી દેવી વૃક્ષ પર ચઢીને હિંચકે ત્યારે પોતાના અલાબુ અને વીણાદંડ (વીણા અને ગજ) વૃક્ષ પર મૂકે એવું અહીં મુનિના સંબંધમાં શું ? તો કહે છે કે-એમનું ભાળ-કપાળ (કે જે અલાબુસમાન વિસ્તીર્ણ છે) અને નાસિકા વંશનાકની દાંડી (કે જે વીણાદંડ-ગજ જેવી સીધી પાતળી અને અણીદાર છે.)
૪. અર્થગ્રંથિઃ (૧) અર્થની ગુંથણી રચના (૨) અર્થ-દ્રવ્ય-ની થેલી. અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ પહેલો)