________________
ટંકારરવથી દિશાઓના અંતરને પૂરી નાખતી, ચારગવાક્ષ તથા સુંદર ઊંચા સ્તંભથી વિરાજતી, સ્થળે સ્થળે ઉલ્લાસ પામતી કાન્તિવાળા કળશોથી શોભી રહેલી, અને શીતળ વાયુથી હાલતી અનેક ધ્વજાઓથી દીપી રહેલી એક વિશાળ શિબિકામાં આરૂઢ થયો તે જાણે એમ સૂચવતો હોય નહીં કે નિશ્ચયે આ પ્રમાણે જ હું વિમાનને વિષે આરોહણ કરીશ ! પછી પૂર્વાચળના શિખર પર રવિ આરૂઢ થાય તેમ તે, તે શિબિકાને વિષે પ્રથમ મૂકેલા એવા ઉત્તમ સિંહાસન પર બેઠો; એટલે માણસો એ ઉપાડીને ચાલવા લાગ્યા; અને કુમાર નિશ્વળ ચિત્તે સમવસરણ ભણી ચાલ્યો. તેણે ઉત્તમ વેષ પહેર્યો હતો; કંઠે પુષ્પની માળા રહી હતી. શરીરે ચંદનાદિથી વિલેપન કર્યું હતું અને નાના પ્રકારના આભૂષણો પણ ધારણ કર્યાં હતાં. વળી કોઈની નજર ન પડે તેટલા માટે મહત્તરા કુળસ્ત્રી સહિત કુમારનાં લૂણ ઉતારતી હતી. ચામરવાળી સ્ત્રીઓ ચામર વીંજતી હતી અને બન્ટિજન ઊંચે સ્વરે વિવિધ જયમંગળના પાઠ કરતા હતા. વારાંગનાઓ અનેક સ્વરના ગાયન ગાતી હતી અને હાવભાવ સહિત મનહર નૃત્ય કરતી હતી. વાજિંત્ર વગાડનારા બારે પ્રકારના વાજિંત્રો વગાડતા હતા અને વિદ્યાર્થી બાળકો પણ ગાતા ગાતા આગળ ચાલતા હતા. આ પ્રમાણે મેઘકુમાર સુવર્ણ-રૂપાનું વગેરેનું દાન દઈને કલ્પવૃક્ષની પેઠે લોકોના દારિદ્રયને ભેદતો, જન સમૂહને સંસાર પરથી વૈરાગ્ય-હર્ષનો ઉદય અને ચિત્તને વિષે વિચિત્ર ચમત્કાર ઉપજાવતો, અને સાથે શાસનની ઉન્નતિ કરતો, પિતા-શ્રેણિક રાજા અને અભયકુમાર પ્રમુખ સહોદરો સહિત સમવસરણની નજદીક આવી પહોંચ્યો.
ત્યાં સર્વેએ, હંસ પક્ષીઓ માનસસરોવરને વિષે પ્રવેશ કરે તેમ, હર્ષસહિત લક્ષ્મીના ગૃહરૂપ સમવસરણને વિષે પ્રવેશ કર્યો; પ્રવેશ કરીને, મંદરાચળની આસપાસ જેમ તારાગણ તેમ પ્રભુની આસપાસ વીંટળાઈ વળ્યા; અને ફળભારથી વૃક્ષો નમે તેમ વિભુને ભક્તિ સહિત નમવા લાગ્યા. પછી મેઘકુમારના માતપિતાએ પોતાના સર્વ જનવર્ગની સંગાથે ત્રિજગદ્ગુરુપ્રભુને વિજ્ઞપ્તિ કરી કે-હે પ્રભુ ! આ અમારી સચિત્ત ભિક્ષાને ગ્રહણ કરો; આપને મૂકીને બીજું કયું ઉત્તમ સંપ્રદાન અમને મળશે ?
અભયકુમાર મંત્રીશ્વરનું જીવનચરિત્ર (સર્ગ ત્રીજો)
૧૩૯