________________
પરમ પદ જેવા લોકોત્તર પ્રયોજનને સિદ્ધ કરવા માટેના સફળ કિમિયાઓ મંત્રીશ્વર અભયકુમાર આપી રહ્યા છે. આવા પરમપ્રાજ્ઞ, અતુલ્ય મેધાવીને બુદ્ધિના બેતાજ બાદશાહ જેવા આત્મા પણ સામેથી મળતી રાજગાદીને લાત મારીને ચારિત્રના પંથે પ્રસ્થાન કરે, એ ઘટના જગતના ભલભલા બુદ્ધિશાળીઓને સંગીન વિચારણામાં ગરકાવ કરી દે એવી છે. બુદ્ધ તો એ છે કે જે ભૌતિક પદાર્થો ખાતર આત્મકલ્યાણની ઉપેક્ષા કરે છે... અશાશ્વત ખાતર શાશ્વતની અવગણના કરે છે. હજારો પુણ્યાત્માઓ આજે અઢી હજાર વર્ષ પછી પણ એ મહાપુરુષને યાદ કરે છે... ને દરનૂતન વર્ષની પ્રભાતે ચોપડાના પ્રથમ પૃષ્ઠ લખે છે... “અભયકુમારની બુદ્ધિ હોજો.” એ બુદ્ધિ જેણે સેંકડો આપત્તિઓથી તો નિસ્તાર કર્યો જ... સંસાર સાગરથી પણ નિખાર કર્યો. આજે આ અભયકુમાર ‘ટોપક્લાસ’ના દેવલોક - અનુત્તર વિમાનમાં પરમઆનંદમાં ઝૂમી રહ્યા છે. હવે માત્ર એક જ ભવ... ને મોક્ષનું સર્વોત્કૃષ્ટ સુખ એમને સ્વાધીન. આનું નામ બુદ્ધિ... ફરી ફરી માંગવાનું મન થાય... અભયકુમારની બુદ્ધિ હોજો .
આત્મીય પંન્યાસપ્રવર શ્રી સત્યસુંદરવિજયજી મ.સા. એક કુશળ સંપાદક છે. પૂર્વે પણ તેમણે અનેક દળદાર સાત્ત્વિક ગ્રંથોના સંપાદન કરેલા છે. એ જ શૃંખલામાં આજે આ પાણીદાર મોતી ઉમેરાઈ રહ્યું છે. એ આનંદનીય - અનુમોદનીય છે. સમ્યકજ્ઞાન પ્રસારની તેમની આ યાત્રા અવિરત બને એવી અંતરની શુભેચ્છા સહ વિરમું છું. જિનાજ્ઞા વિરુદ્ધ લખાયું હોય, તો મિચ્છામિદુક્કડમ્.
ભા. (૧) વ-૩ વિ.સં. ૨૦૬૮ શ્રી પાર્શ્વનાથ જૈન સંઘ લી શ્રી આદિ- સીમંધરધામ કી સમા, વડોદરા.
પ્રાચીન શ્રતોદ્ધારકપ.પૂ.આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાનો ચરણસેવક
આચાર્ય કલ્યાણબોધિસૂરિ