________________
મુનિએ ધર્મલાભરૂપ આશિષ આપીને ત્યાંથી અન્યત્ર વિહાર કર્યો. પછી ભરતેશ્વરે તે રમણીય પ્રદેશમાં જ સૈન્યનો પડાવ કરાવ્યો. • ઘોર યુદ્ધની તૈયારી :
આ બાજુ બાહુબલિએ ભરતને આવેલા સાંભળી પોતાના સિંહનાદ સાથે ભંભાનો નાદ કરાવ્યો. તે નાદ સાંભળી, ભરતેશ્વરને “હું જીતીશ, હું જીતીશ” એમ પરસ્પર સ્પર્ધા કરતાં વીરપુરુષો જલ્દીથી એકઠા થયા.
જાણે મૂર્તિમાન વીરરસ હોય તેવા ચતુરંગ સૈન્ય સહિત ત્રણ લાખ પુત્રોથી વીંટાયેલા, છત્ર-ચામરથી વિભૂષિત બાહુબલિ રાજા, ભદ્રકરણ નામના ઉત્તમ હસ્તી ઉપર આરૂઢ થયા અને દેશના પર્યત ભાગે પોતાની છાવણી નાખી મસ્તક પર રણપટ્ટ બાંધ્યો.
ભરત મહારાજાએ પોતાના સૈન્યમાં સુષેણને સેનાપતિ કર્યો અને સર્વ રાજાઓને તથા સૂર્યયશા વગેરે સવા ક્રોડ પુત્રોને બોલાવીને કહ્યું, “હે વીરપુરુષો ! તમે દિગ્વિજયમાં સર્વ રાજાઓ, વિદ્યાધરો, દૈત્યો અને દુર્દમ એવા ભીલોને જીતી લીધા છે, પણ તેમાં આ બાહુબલિના એક સામંત જેવો પણ કોઇ બળવાન હતો નહીં.
બાહુબલિનો સોમયશા નામે પૂર્ણ પરાક્રમી જયેષ્ઠ પુત્ર છે. તે એક લાખ હાથી તથા ત્રણ લાખ રથ અને ત્રણ લાખ ઘોડા સાથે એકલો યુદ્ધ કરે તેવો છે.
તેનો નાનો ભાઈ સિંહરથ બળવાન, મહારથી, દિવ્ય શસ્ત્રથી યુદ્ધ કરનાર છે. તેનાથી નાનો સિંહકર્ણ એક હાથે મોટા પર્વતોને પણ ઉપાડે તેવો છે. તેનાથી નાનો સિંહવિક્રમ સર્વ વીરપુરુષોથી પણ અજેય છે. સિંહસેન શત્રુસૈન્યનો ક્ષય કરવા સમર્થ છે. ત્રણ લાખ કુમારોમાં સૌથી નાનો પુત્ર પણ એકલો આખી સેનાને જીતવા સમર્થ છે. તમે દિગ્વિજયમાં તો કેવળ દિશાઓનું અવલોકન કર્યું છે. બાકી તો બાહુબલિ સાથે યુદ્ધ હવે જ થવાનું છે. તેથી તમારે સુષેણ સેનાપતિને અનુસરવું. તે સાંભળી સર્વ વીરો હર્ષ પામતા પોતપોતાનાં સ્થાને ગયા.
- ભરતેશ્વરે ધનુષ્યાદિ સર્વ શસ્ત્રોનું વિવિધ પુષ્પાદિકથી પૂજન કર્યું, અક્ષતો તથા રત્નોથી અષ્ટમાંગલિકોને આલેખ્યા ત્યારે ભારતના સૈન્યમાં એકસાથે અઢાર લાખ દુંદુભિઓ વાગવા માંડી.
આ તરફ બાહુબલિએ શ્રી જિનેશ્વરદેવની પૂજા કરી, વજય બન્નર, મુગટ અને લોહબાણથી ભરેલા બે ભાથા ધારણ કર્યા અને મહાભદ્ર નામના ગંધહસ્તી ઉપર આરૂઢ થઈ રણભૂમિ તરફ ચાલ્યા. તેમની સાથે મુખ્ય પુત્ર સોમયશા અને બીજા પણ ઘણા કુમારો રથમાં આરૂઢ થઇને ચાલ્યા.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૭૮