________________
જરાપણ વિલંબ કરવો યોગ્ય નથી. છતાં જો આપને શંકા હોય તો નીતિનાં જાણકાર આ મંત્રીઓને આપ પૂછી જુઓ.'
તે વખતે જાણે સુષેણનાં વચનોના પડઘા હોય તેમ બધા મંત્રીઓ પણ રાજાને ઉત્સાહિત કરવા, વિશેષ રીતે બાહુબલિની સામે યુદ્ધ કરવા માટે કહેવા લાગ્યા. તેથી ભરત નરેશ્વરે યુદ્ધપ્રયાણ ભંભાનો નાદ કરાવ્યો. તેના નાદથી સર્વ રાજાઓ તત્કાળ એકઠા થયા.
પછી ભરતેશ્વરે શુભ દિવસે પ્રભુની ભક્તિભાવપૂર્વક પૂજા કરી, પૌષધાગારમાં રહેલા મુનિઓ પાસે જઈ વંદન કર્યું અને નગરીની બહાર છેવાડે છાવણી નાંખી. પ્રયાણ સમયે સૌભાગ્યવતી સ્ત્રીઓએ અને કુલીન કન્યાઓએ અખંડ અક્ષતોથી આદરપૂર્વક ચક્રવર્તીને વધાવ્યા. ભાટચારણ-બંદીજનો સ્તુતિ કરવા લાગ્યા, દેવતાઓ સેવામાં હાજર થયા, કુલસ્ત્રીઓ મંગળ ગીત ગાવા લાગી, મહાજનો દર્શન કરવા લાગ્યા. આમ માંગલિકોથી કૃતાર્થ થયેલા ભરત રાજા રણયાત્રાનો આરંભ કરવા, પ્રાતઃકાળમાં સૂર્યની જેમ સુરગિરિ નામના ગજેન્દ્ર ઉપર ચડ્યા, એ ગજરત્ન ઘણો ઉંચો અને ચક્રવર્તીના યશ જેવો ઉજ્જવલ હતો. એક હજાર યક્ષો તેની રક્ષા કરતા હતા. • યુદ્ધ માટે ભરત ચક્રવર્તીનું મહાપ્રયાણ :
ભરત રાજાએ પ્રેરણા કરેલો ગજરત્ન આગળ ચાલ્યો. સૂર્યમંડળ જેવું પ્રકાશમાન સહસ્ર આરાને ધારણ કરતું ચક્રરત્ન સૈન્યની આગળ ચાલવા લાગ્યું. સૈન્યના ભારથી પૃથ્વી દબાઇ ગઇ, દુંદુભિના ધ્વનિથી અને રથચક્રના ચિત્કારથી દિશાઓને શબ્દમય કરતા ભરત રાજા અવિચ્છિન્ન પ્રમાણે ચાલવા લાગ્યા અને કેટલાક દિવસે બહલી દેશની નજીક આવી પહોંચ્યા.
ભરત રાજાએ પોતાના સૈન્યને માટે આવાસ કરવા કેટલાક પુરુષોને આગળ મોકલ્યા હતા. તેઓએ આવીને હર્ષથી વિજ્ઞપ્તિ કરી કે, “અહીંથી ઉત્તર દિશામાં ગંગા નદીને કાંઠે એક મોટુ વન છે. તેમાં સુવર્ણ તથા મણિરત્નમય પિતાશ્રી ઋષભદેવ ભગવંતનો એક સુંદર પ્રાસાદ છે. ત્યાં કોઇ સંયમી, ત્યાગી મુનિરાજ બિરાજમાન છે.” તે સાંભળી ભરત રાજા તરત જ તે વનમાં ગયા અને વિધિસહિત જિનેશ્વરને નમીને તથા ભક્તિથી પ્રભુનું પૂજન કરી મુનિરાજ પાસે ગયા. તેમને ઓળખીને પ્રણામ કરી, તે મહાત્માને કહ્યું, “હે ભગવન્! તમે વિદ્યાધર હતા અને મારી સાથે યુદ્ધ કરવા આવ્યા હતા. તો આવા પ્રકારના વૈરાગ્યનું કારણ શું બન્યું ? કે આપ સંયમી બન્યા, તે કૃપા કરીને મને ફરમાવો.'
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૭૬