________________
એ સાંઢનો જીવ ત્યાંથી મરણ પામીને અવંતિ દેશમાં ઉજ્જયિની નગરી પાસે રહેલા સિદ્ધવડની બખોલમાં મહાઝેરી સર્પ થયો. અનુક્રમે વિહાર કરતાં કરતાં ત્રિવિક્રમમુનિ ત્યાં આવી તે વડ નીચે એક વખત કાયોત્સર્ગ ધ્યાને રહ્યા. પૂર્વના વૈરથી મુનિને જોતાં જ સર્પને દ્વેષ ઉત્પન્ન થયો. એટલે તત્કાળ એ સર્પ ફણા ચડાવી પોતાના પૂર્વના અપકારી મુનિને ડસવા આવ્યો. તેને આવતો જોઈ કોપ પામી સર્પ ઉપર તેજોલેશ્યા મૂકી. અકામ નિર્જરાના યોગે કેટલાક કર્મ ખપાવીને સર્પનો જીવ કોઈ ગરીબ બ્રાહ્મણના ઘરે પુત્રરૂપે અવતર્યો.
યોગાનુયોગ ત્રિવિક્રમ રાજર્ષિ પણ વિહાર કરતા તે ગામમાં આવી ગયા. ગામની પાસે યોગાભ્યાસમાં તત્પર રહેલા મુનિને જોઈ ત્યાં આવી ચડેલો અધમ બ્રાહ્મણ તે મુનિને મારવા દોડ્યો. મુનિને નિર્દયપણે મુષ્ટિઓ અને લાકડીથી મારતા બ્રાહ્મણ ઉપર કોપના આવેશથી પૂર્વની જેમ રાજર્ષિએ તેજલેશ્યા મૂકી. કાંઇક શુભના ઉદયથી અકામ નિર્જરા વડે કર્મ ખપાવીને તે વારાણસી નગરીમાં મહાબાહુ નામે રાજા થયો. રાજસુખ ભોગવતાં તેનો ઘણો કાલ પસાર થયો. • મહાબાહુ રાજાને જાતિસ્મૃતિ :
એક વખત તે મહાબાહુ રાજા પોતાના મહેલમાં ગોખમાં બેઠો હતો. ત્યારે માર્ગમાં પસાર થતા કોઇ પવિત્ર સાધુને તેણે જોયા. તેથી મનમાં વિચાર આવ્યો કે, “અહો ! આ અથવા આવા કોઈ મહાત્મા કોઈ ઠેકાણે મેં જોયા છે. એમ ઘણો વખત વિચાર કરતાં રાજાને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. રાજર્ષિના કોપરૂપી અગ્નિની જવાળામાં બળી જતા પોતાના પૂર્વના સાત ભવો તેને દેખાયા.
તે ઉપરથી તત્કાળ અધ શ્લોક બનાવીને રાજા બોલ્યો - विहगः शबरः सिंहो, द्वीपी षण्ढः फणी द्विजः । અર્થ : પક્ષી, ભીલ, સિંહ, દીપડો, સાંઢ, સર્પ અને બ્રાહ્મણ.
આ શ્લોક બનાવીને, તે મુનિને મળવા માટે મહાબાહુ રાજાએ પોતાના રાજયમાં જાહેર કર્યું કે, “આ અર્ધા શ્લોકની સમસ્યા જે કોઈ વિદ્વાન પૂરશે તેને હું લાખ સોનામહોર આપીશ.”
રાજાનું વચન સાંભળી ધનની ઇચ્છાથી ઘણા લોકો શ્લોક પૂર્ણ કરવા વારંવાર શ્લોક બોલતા હતા.
આ બાજુ ત્રિવિક્રમ મુનિ વિહાર કરતાં કરતાં ત્યાં આવ્યા અને કોઇ પ્રજાજનના મુખે તેમણે આ શ્લોક સાંભળ્યો. આ સમસ્યાનો સંબંધ ખ્યાલ આવી જવાથી એમના મુખમાંથી શબ્દો સરી પડ્યા કે...
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૩૫