________________
અભિષેક કરીને સાંજે જ્યારે નીચે ઉતર્યા અને પોતાના સ્થાનમાં આવી ગયા ત્યારે પોતાના દરેક ધાર્મિક કાર્યમાં ભાગીદાર શ્રી શાંતિચંદભાઇને પૂછ્યું કે કેમ ભાઈ ! આપણું કામ નિર્વિને પાર પડી ગયુંને? ત્યારે શાંતિચંદભાઇએ શાસનદેવોની કૃપાથી આપણે પાર ઉતરી ગયા તેમ કહી હા પાડી.
રજનીકાંતભાઇ અને શાંતિચંદભાઈની ધર્મના કાર્યો કરવા માટે એવી સરસ પ્રકારની સાધર્મિક સગાઈ ગોઠવાઈ ગઈ હતી કે જાણે બે સગા ભાઇઓ જ જોઈ લો. ધાર્મિક કાર્યો કરવામાં આ બંને પુણ્યાત્માઓ સાથે જ હોય. અરે ! એકબીજાના નામે ગમે તેવું મોટું ઘી બોલી દે કે રકમ લખાવી દે તો પણ બંને જણા પ્રેમથી આપી દેતા હતા. આવી હતી બંને આત્માઓની અખૂટ ઉદારતા.
અભિષેકના ત્રણ દિવસોમાં જે સાધર્મિકોનું સ્વામીવાત્સલ્ય થયું હતું. તેની પ્રશંસા ને વર્ણન સાધર્મિકો પોતાના મુખે જ કરતા હતા ને બોલતા હતા કે આનું નામ જ કહેવાય સ્વામીવાત્સલ્ય.
અભિષેકના દિવસની સાંજે રજનીકાંતભાઈને પોતાની નાત તરફથી માનપત્ર આપવાનું ગોઠવાયું હતું. તેઓની ઇચ્છા ન જ હતી. પણ સહુના આગ્રહથી એ સમારંભમાં ગયા. બાલિકાઓએ સ્વાગત ગીત ગાયું. પછી કાયમના રિવાજ પ્રમાણે શ્રી નવકાર મંત્રના આઠ પદો ગવાયા. ને નવમું પદ “પઢમં હવઈ મંગલ” - બોલતાં સવા આઠ વાગે પોતે પોતાની ડોક એક બાજુ ઢાળી દીધી. એ જ ક્ષણે હાર્ટએટેક દ્વારા સમાધિપૂર્વક તેમની જીવનલીલા સંકેલાઇ ગઇ. તેમનો આત્મા પરલોકનો પ્રવાસી બની ગયો. તેઓનું જીવન ધન્ય ધન્ય બની ગયું. પોતાના જીવનનું છેલ્લામાં છેલ્લું કાર્ય પણ સારી રીતે પૂર્ણ કર્યું. આ બધા પ્રસંગો જોતાં આપણે સહુ એમ કહી શકીએ કે એમનું મૃત્યુ સમાધિમય થયું. જો મૃત્યુ પામતાં આવા ઉત્તમ સંજોગો મળે તો પછી જોઇએ પણ શું ?
એ આત્માને મૃત્યુ સમયે વિરતિમાં વરસીતપ ચાલુ હતો, અઠ્ઠમ તપ હતો, ચોવિહારો બીજો ઉપવાસ હતો. આવા તપમાં ને સિદ્ધગિરિની ગોદમાં શું માંગેલું મૃત્યુ મળે ખરું ? હા રજનીકાંતભાઈને મળી ગયું. ને તેઓ ધન્ય બની ગયા.
અથવા તેમણે આ અભિષેક દ્વારા એવું પુન્ય બાંધ્યું કે માનવીય દેહ દ્વારા એ પુન્ય ભોગવાય એમ ન હોવાથી તેઓ દિવ્ય દેહધારી બન્યા.
એમની વિનશ્વર કાયાને ધર્મકાય ગણીને તેના પર પૂ. આચાર્ય ભગવંતો - મુનિરાજો – સાધ્વીજી મહારાજ શ્રાવક અને શ્રાવિકાઓએ વાસક્ષેપ નાંખ્યો. પાલખી બનાવીને મુનિરાજની જેમ સ્મશાનયાત્રા નીકળી.
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૪૪૭