________________
બીજા દિવસની સવાર પડી. વિરતિને ભગવાન યાદ આવતા, પ્રભુની પૂજા યાદ આવતી. એની મમ્મીએ કહ્યું : “ચાલ, વિરતિ ! આજે હું તને શત્રુંજયની યાત્રા કરાવું.' હોસ્પીટલના જે રૂમમાં તેનો ખાટલો હતો, તેની સામે સરસ મજાનો શેત્રુંજય તીર્થનો લેમીનેશન ફોટો મૂકાવાયો. વિરતિએ સૂતા સૂતા સવારે આઠ વાગે તળેટીથી ભાયાત્રા શરૂ કરી.
ભાવયાત્રા શરૂ કરતા પહેલા એની મમ્મીએ પૂછ્યું: ‘વિરતિ ! તું જાત્રા ચાલીને કરીશ કે ડોળીમાં બેસીને ?' વિરતિએ હસતા હસતા કહ્યું : “મમ્મી ! તને ખબર છે ને હમણા હું માંદી છું... એટલે ચાલીને કરીશ તો બહુ થાકી જઇશ, માટે મારા માટે ડોળી કરાવ.'
વિરતિએ ડોળીમાં બેસીને ભાવયાત્રા શરૂ કરી. એની મમ્મી વચ્ચે જેટલા પગલા, દેરીઓ આવતી ગઈ ત્યાં એને દર્શન કરાવતી. નવટૂંકના દર્શન કરાવ્યા. છેલ્લે દાદાની ટૂંકમાં આવ્યા. યુગાદિદેવના દર્શન થતાં વિરતિ નાચી ઉઠી. ખૂબ ભાવપૂર્વક દર્શન કર્યા. ચૈત્યવંદન કર્યું. પૂરા બે કલાક જાત્રા કરીને તે નીચે ઉતરી. યાત્રાનો અદ્દભૂત આનંદ તેના મુખ પર તરવરી રહ્યો હતો.
દશ વાગ્યાનો સમય થયો. વિરતિના સ્વાગ્યે ગંભીર સ્વરૂપ લીધું. એની નસો તણાવા લાગી. આંખો ખેંચાવા લાગી. બધા જ સમજી ગયા. આ વિરતિની છેલ્લી ક્ષણો છે. પરિવારજનોએ નવકારનું રટણ ચાલુ કરી દીધું. જિંદગીના અભ્યાસમાં પાર પામી ગયેલી દીકરી મોતની પરીક્ષામાં ક્યાંક નાપાસ ન થઈ જાય એ વિચારે કાળજા પર પથ્થર મૂકીને, આંખમાં આંસુનું એક પણ ટીપું લાવ્યા વગર વિરતિની મમ્મીએ વિરતિને કહ્યું : “બેટા ! હવે તારે ભગવાનના ઘરે જવાનું છે. માટે જરા પણ તું રડતી નહિ.”
માની વાતનો વિરતિએ જે જવાબ આપ્યો છે તે આપણી આંખ ઉઘાડી દે તેવો છે. વિરતિએ કહ્યું : “મમ્મી ! હું તો નહિ રડું, પણ મારા ગયા પછી તું પણ નહિ રડતી.”
મા-દીકરી તો રડ્યા નહિ, પણ એમના મોઢેથી બોલાયેલો આ ડાયલોગ આપણી આંખને ભીની કરાવી દે તેવો છે. ગણતરીની ક્ષણોમાં સહુના મોઢેથી નવકાર સાંભળતી સાંભળતી વિરતિ પરલોકમાં ચાલી ગઈ. પણ જૈન સંઘમાં એક આદર્શ દૃષ્ટાંત મૂકતી ગઈ છે. માતા-પિતા જો નાનપણથી જ આવા સારા સંસ્કારો પોતાના બાળકોમાં રેડે તો આજે પણ આવી એક નહિ અનેક વિરતિ જૈનશાસનને પ્રાપ્ત થઈ શકે.
માહામ્ય સાર ૪૩૦