________________
(૧૩) શતાવર્ત નામનું આલંબન સોમદેવનૃપ, “હે રાજન્ ! તું શત્રુંજય તીર્થે જા. ત્યાં છäતપ સહિત શ્રી શાંતિનાથ ભગવાનની પુષ્પો વડે હંમેશા પૂજા કરવાથી તારું ઇષ્ટ સિદ્ધ થશે.”
ચંદ્રપુરીના ઉદ્યાનમાં પધારેલા શ્રી ચંદ્રસૂરીશ્વરજી મહારાજા કુંડકેલિનગરના રાજા સોમદેવને ઉપર્યુક્ત વચન કહી રહ્યા છે. કારણ કે રાજા અત્યારે વિપત્તિમાં ફસાયો છે. રાજપાટ છોડીને રાંકની જેમ રઝળપાટ કરી રહ્યો છે.
બન્યું છે એવું કે... દક્ષિણ કિનારાના રાજા અરિમર્દન પાસે સોમદેવરાજાએ બળજબરીથી પોતાની આજ્ઞા શિરોધાર્ય કરાવી. સોમદેવ રાજા પાસે બાહુબળ કામ ન લાગતાં અરિમર્દન રાજાએ કળથી કામ લીધું અને સોમરાજાના બધા માણસોને લાંચ-રૂશ્વત આપી આપીને ફોડી નાંખ્યા. આ રીતે પૂર્વભૂમિકા તૈયાર કરીને પછી તેણે કુંડકેલિનગર ઉપર ચડાઈ કરી. સોમ રાજા યુદ્ધ કરવા સન્મુખ આવ્યા. યુદ્ધ કરતાં પોતાનું સૈન્ય ભેદાયેલું જાણ્યું. તેથી જીવ બચાવવા રાત્રિના સમયે પત્નીને લઇને ગુપ્ત રીતે નીકળી ગયા.
જંગલોમાં અથડાતા... માર્ગમાં આગળ વધતાં... ચંદ્રપુરીના ઉદ્યાનમાં તેમને જ્ઞાની ગુરુભગવંતનો યોગ થયો. તેથી ગુરુભગવંતને પોતાની આપત્તિ દૂર કરવાનો માર્ગ પૂણ્યો. ગુરુએ બતાવેલ માર્ગ હૈયામાં રૂચિ ગયો અને પત્ની સાથે રાજા શત્રુંજયતીર્થે આવ્યો. ત્યાં ગુરુએ કહ્યા પ્રમાણે છઠ્ઠનો તપ કરી, પ્રભુને પૂજી ગિરિરાજના ધ્યાનમાં લીન રહે છે.
આ રીતે થોડો સમય પસાર થતાં... શ્રી શાંતિનાથ ભગવાનની સેવા કરનારો ગરૂડયક્ષ તુષ્ટ થયો. તેણે શતાવર્ત નામનું મહાચક્ર આપીને કહ્યું કે, “હાથમાં આ શતાવર્તચક્ર લઇને તું તારા નગરમાં જા. જે તારી આજ્ઞા નહિ માને તેનું મસ્તક આ ચક્ર વડે છેદાઈ જશે.'
સોમરાજા ખુશ થયો અને પોતાના નગર તરફ ચાલ્યો. અરિમર્દનરાજાએ તેને શતાવર્તચક્ર લઈને આવતો સાંભળ્યો. તેથી ભય વડે સન્મુખ આવીને નમ્યો. સોમદેવરાજાએ પોતાનું રાજ્ય સંભાળ્યું. ધર્મથી સિદ્ધિ મળી હોવાથી ૫૦૦ સુવર્ણના જિનાલયો અને ૧૭૦૦ શ્રેષ્ઠ લાકડાના જિનાલયો બંધાવ્યા.
જે તીર્થના પ્રભાવે પોતાને રાજયનો લાભ થયો, તેની ભાવપૂર્વક યાત્રા કરવાના ઉદ્દેશથી સાત કરોડ મનુષ્યોના સંઘ સાથે ઉત્સવ કરતો શત્રુંજય તીર્થે આવ્યો. ત્યાં સ્નાત્રપૂજા, ધ્વજારોપણ આદિ અપૂર્વ ભક્તિ કરી પોતાને શતાવર્ત નામનું આયુધ અહીંથી પ્રાપ્ત થયું હોવાથી આ ગિરિરાજનું “શતાવર્ત' નામ પ્રસિદ્ધ કર્યું.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર - ૩૬૨