________________
શુક્લધ્યાનમાં વર્તતા ઘાતી કર્મોનો ક્ષય થવાથી પોષ માસની શુક્લદ્વાદશીએ ચન્દ્ર રોહિણી નક્ષત્રમાં આવતાં દિવસના પાછલા પહોરે પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. આસનકંપ થતાં સર્વ ઇન્દ્રો ભક્તિપૂર્વક ત્યાં આવ્યા. દેવતાઓએ એક યોજન પ્રમાણ પૃથ્વી પર રૂપ્ય, સુવર્ણ અને મણિરત્ન વડે ત્રણ પ્રાકારવાળું અને ચાર ધારવાળું સમવસરણ રચ્યું.
અહીં સગરરાજા સભામાં સિંહાસન ઉપર બેઠા હતા, તેમને છડીદારે આવીને કહ્યું કે, “સ્વામી ! કોઈ બે પુરુષો દ્વારે આવીને ઉભા છે.” રાજાની આજ્ઞાથી સભામાં પ્રવેશ કરાવાયેલા તે બેમાંથી એક પ્રણામ કરીને બોલ્યો, “હે રાજન્ ! વધામણી છે કે, અજિતનાથ પ્રભુને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે.” બીજા પુરુષે પ્રણામ કરીને કહ્યું, “મહારાજા વધામણી છે કે આપણા શસ્ત્રાગારમાં ચક્રરત્ન ઉત્પન્ન થયું છે.” તે વખતે તરત જ સગરરાજા આસન પરથી ઊભા થયા. હાથી, ઘોડા, રથ, અંતઃપુર, પુત્ર, પાયદળ, વેપારીઓ અને બીજા લોકોથી પરિવરેલા રાજા વનમાં ગયા. ત્યાં પ્રભુને પ્રદક્ષિણા કરી, નમીને પ્રભુની સ્તુતિ કરીને પછી પ્રભુની દેશના સાંભળી. દેશના આપ્યા પછી પ્રભુએ ચતુર્વિધ સંઘ અને તીર્થની સ્થાપના કરીને પોતે વિહાર કર્યો. સગરરાજાએ અયોધ્યામાં આવી ચક્રનો અઢાઈ ઉત્સવ કર્યો.
ત્યારપછી સૂર્ય જેવી કાંતિવાળું ચક્ર શસ્ત્રાગારમાંથી બહાર નીકળ્યું. એટલે તે જ દિવસે સગર રાજાએ છ ખંડ સાધવા પ્રયાણ કર્યું. ચોરાશી લાખ હાથી, તેટલા ઘોડા અને રથ તથા કરોડો પાયદળ સાથે પ્રથમ પૂર્વ દિશા તરફ સગર ચાલ્યા. લાખ યક્ષોએ અધિષ્ઠિત એવા ગજરત્ન, વાજિરત્ન, છત્રરત્ન, દંડરત્ન, મણિરત્ન, કાકિણીરત્ન, વર્દ્રકીરત્ન, પુરોહિતરત્ન, ગૃહીરત્ન, ચક્રરત્ન, ચર્મરત્ન વગેરે (સેનાપતિરત્ન, ખડ્ઝરત્ન) રત્નો લઈ અતુલ પરાક્રમી સગરરાજા ચાલ્યા. અનુક્રમે પૂર્વ સાગરને કિનારે આવી અઠ્ઠમ તપ કરી બાર યોજન જનારા બાણ વડે માગધદેવને બોલાવ્યો. તેને સાધી તે દિશામાં અધિપતિ તરીકે તેને સ્થાપન કરી પારણું કરીને તેનો અઢાઇ ઉત્સવ કર્યો. ત્યાંથી પાછા ફરી ચક્રની પાછળ અવિચ્છિન્ન પ્રમાણે ચાલતા દક્ષિણ સાગરના તીરે આવીને વરદામને સાધ્યો. તેવી જ રીતે પશ્ચિમસાગરના કિનારે જઈ પ્રભાસપતિને વશ કર્યો. ત્યાંથી સિંધુ નદીના દક્ષિણ તીરે આવી તેની અધિષ્ઠાયિકા સિંધુ દેવીને સાધી. પછી ઇશાન દિશા તરફ ચાલી વૈતાઢ્યગિરિ પાસે આવ્યા. ત્યાં ભરતરાજાની જેમ વૈતાઢચ પર્વતના અધિષ્ઠાતા કુમારદેવને સાધ્યો. પછી સિંધુસાગર અને વૈતાઢ્યગિરિની નજીક આવેલ સીમાપ્રદેશને રાજાની આજ્ઞાથી સેનાપતિએ સાધીને પછી તમિસ્રાગુફાના બંને કમાડ દંડવત્ન વડે ઉઘાડી નિમ્નગા અને ઉગ્નિગા નામની નદીઓને પુલ વડે પાર ઉતરી તે ગુફામાંથી બહાર નીકળ્યા. ત્યાં રહેલા
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૪૪