________________
પખવાડીયા બાકી રહેતા, માઘ માસની કૃષ્ણ ત્રયોદશી (વર્તમાનમાં પોષ વદ ૧૩)ના પૂનકાલે, ચન્દ્ર અભિજિત નક્ષત્રમાં આવતાં પર્યકાસને રહેલા પ્રભુ શ્રી ઋષભદેવ
સ્વામી ચોથું શુકલધ્યાન પામી લોકાગ્રપદ - મોક્ષ પામ્યા. તે સમયે બાહુબલિ વગેરે મુનિઓ પણ તે જ ક્ષણે અવ્યયપદ પામ્યા. પ્રભુનાં નિર્વાણ કલ્યાણકના સમયે ક્ષણવાર નારકીઓને પણ સુખ થયું. ત્રણે જગતમાં ઉદ્યોત થયો. પ્રભુને નિર્વાણ પામેલા જોઈ ભરત રાજા અપાર દુઃખથી મૂચ્છ પામી પૃથ્વી પર પડી ગયા. થોડીવારે સાવધાન થઈ તેમણે આક્રંદ કરવા માંડ્યું કે, “અહા ! ત્રણ જગતના ત્રાતા પ્રભુ, બાહુબલિ વગેરે ભાઇઓ, બ્રાહ્મી અને સુંદરી બહેનો, પુંડરીક વગેરે પુત્રો, શ્રેયાંસ વગેરે પૌત્રો – કર્મરૂપ શત્રુઓને હણી લોકાગ્રને પામ્યા, તો પણ હું ભરત અદ્યાપિ જીવું છું.' આ પ્રમાણે આક્રંદ કરતા ભરતને જોઈ ઇન્દ્ર શોકથી રુદન કરવા માંડ્યું. ઇન્દ્રની પાછળ દેવતાઓએ પણ રુદન કરવા માંડ્યું. ત્યારથી માંડીને પૂર્વે નહીં દીઠેલો રુદનનો વ્યવહાર પ્રવર્યો. ભરતના રુદનથી આખું વાતાવરણ શોકાકુલ થઈ ગયું.
અતિ શોકવાળા ભરતને જોઈ તેમને બોધ કરવા ઈન્ડે કહ્યું, “ત્રણ જગતના સ્વામીના પુત્ર હે ભરત ચક્રવર્તી! સ્વાભાવિક ધેર્યને છોડીને અજ્ઞજનની જેમ શોકથી આમ રુદન કેમ કરો છો ? જે સ્વામી જગતના આધાર, જગતની સ્થિતિ કરનાર અને અહનિશ જગતને નમવા યોગ્ય હતા, તે પ્રભુનો શોક કરવાનો ન હોય. જેણે અનુપમ કાર્યો સાધ્યા છે અને કર્મોના બંધનનો નાશ કર્યો છે એવા આત્માઓ માટે વિશેષ રીતે આ પ્રસંગ અખંડ મહોત્સવરૂપ ગણાય છે. તેમ જ હર્ષ અને શોક બંને પાપબંધન કરાવનારા છે. માટે બુદ્ધિમાન એવા તમે શોક છોડી દો અને પુનઃ ધૈર્ય ધારણ કરો.
આ પ્રમાણે ભરતને આશ્વાસન આપી ઈન્દ્ર પ્રભુના અંગનો સંસ્કાર કરવા માટે ગોશીષ ચંદનનાં કાષ્ઠો દેવતાઓ પાસે મંગાવ્યા. પછી દેવતાઓએ પ્રભુ માટે પૂર્વ દિશામાં ગોળ, બીજા ઇશ્વાકુવંશી મુનિઓ માટે દક્ષિણ દિશામાં ત્રિખૂણી અને બાકીના સર્વ મુનિઓ માટે ચાર ખૂણાવાળી ચિતા રચી. પ્રભુનાં શરીરને ઇન્દ્ર ક્ષીરસમુદ્રનાં જલથી સ્નાન કરાવી અને વસ્ત્રાભરણથી શોભાવી શિબિકામાં પધરાવ્યું. બીજા દેવતાઓએ અન્ય મુનિઓનાં શરીરને બીજી શિબિકામાં મૂક્યાં. એટલે અગ્નિકુમાર અને વાયુકુમાર દેવોએ તત્કાળ તે શરીરોને પ્રજવલિત કર્યા. થોડીવાર પછી મેઘકુમારોએ તે શરીરોને જળધારાથી ઠાર્યા એટલે સર્વ દેવોએ પ્રભુનાં અને બીજા મુનિઓનાં દાંત અને હાડકાં પોતપોતાનાં વિમાનોમાં પૂજા કરવા માટે પોત-પોતાની યોગ્યતા પ્રમાણે ગ્રહણ કર્યા. ઇન્દ્રોએ પ્રભુની દાઢાઓ ગ્રહણ કરી. કેટલાક શ્રાવકોએ માગણી કરવાથી દેવોએ ત્રણ કુંડનો અગ્નિ તેઓને આપ્યો. ત્યારથી તે શ્રાવકો
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૧૧૯