________________
જેઓ આ મહાતીર્થમાં દીન અને અનાથ લોકોને ભોજન આપે છે, તેને ઘેર નિરંતર લક્ષ્મી રહે છે.
આ તીર્થમાં મહાબુદ્ધિશાળી પુરુષે મોક્ષસુખના સ્થાનરૂપ શીલ મન, વચન, કાયાની શુદ્ધિથી પાળવું. જે પુરુષ આ તીર્થ પર આવીને શીલનો ભંગ કરે છે, તેની કોઇપણ સ્થાને શુદ્ધિ થતી નથી અને તે ચંડાળથી પણ અધમ છે.
આ સ્થાને કરેલો તપ નિકાચીત કર્મનો ક્ષય કરે છે. આ તીર્થમાં જો એક દિવસનો તપ કર્યો હોય તો તે પણ સમગ્ર જન્મમાં કરેલાં પાપોનો નાશ કરે છે અને છઠ્ઠ, અઠ્ઠમ વગેરે તપ કરવાથી આ તીર્થમાં ઉત્તમ ફળ મળે છે. તેથી સર્વ વાંછિતને આપનાર તપ આ તીર્થમાં વિશેષપણે કરવો.
સુવર્ણની ચોરી કરનાર પુરુષ આ તીર્થમાં ચૈત્રીપૂનમે એક ઉપવાસ કરવાથી શુદ્ધ થાય છે અને વસ્ત્રની ચોરી કરનાર શુદ્ધ ભાવનાથી જો સાત આયંબિલ કરે તો તે આ તીર્થમાં શુદ્ધ થાય છે.
રત્નની ચોરી કરનાર આ તીર્થમાં સારી ભાવનાપૂર્વક દાન આપી કાર્તિક માસમાં સાત દિવસનો તપ કરે તો શુદ્ધ થઈ જાય છે.
રૂપું, કાંસુ, તાંબું, લોઢું અને પિત્તળ ચોરનાર પુરુષ અહીં સાત દિવસ પુરિમુઢનો તપ કરે, તો તે પાપથી મુક્ત થાય છે.
મોતી અને પરવાળાને ચોરનાર ત્રિકાલ જિનપૂજા કરી, અહીં પંદર દિવસ પર્યત આયંબિલ કરે તો તે પાપમુક્ત થાય છે.
ધાન્યનો અને જલનો ચોર પાત્રદાનથી શુદ્ધ થાય છે. રસ પદાર્થનો ચોરનાર અહીં યાચકોને ઇચ્છિત મહાદાન આપવાથી પાપમુક્ત બને છે.
વસ્ત્રાભરણનો હરનાર શુદ્ધ ભાવનાથી આ તીર્થમાં જિનપૂજન કરીને પોતાના આત્માનો સંસારમાંથી ઉદ્ધાર કરે છે.
ગુરુદ્રવ્ય અને દેવદ્રવ્યને ચોરનાર આ મહાતીર્થની નિશ્રામાં ધ્યાન તથા પાત્રદાનમાં પરાયણ થઈ શ્રી જિનેશ્વરદેવનું પૂજન કરે તો તે પોતાનાં પાપને નિષ્ફળ કરે છે.
કુમારિકા, દીક્ષિતા, વેશ્યા, સધવા, વિધવા, ગુરુપત્ની અને અગમ્યા સ્ત્રીનો સંગ કરનાર, આ તીર્થ પર જો છ માસ પર્યત અહર્નિશ જિનેશ્વરનાં ધ્યાનમાં સ્થિર થઇ છ માસનો તપ કરે તો તે પુરુષ કે સ્ત્રી તત્કાળ તે પાપમાંથી મુક્ત થઇ જાય છે.
ગાય, મહિષી, હાથી, પૃથ્વી અને મંદિરનો ચોરનાર આ તીર્થમાં ભક્તિથી શ્રી જિનેશ્વર ભગવંતનું ધ્યાન ધરે અને તે તે વસ્તુઓનું આ તીર્થમાં દાન કરે તો તે પાપમુક્ત બને છે.
શ્રી શત્રુંજય માહાભ્ય સાર • ૮૮