________________
આ પ્રમાણે સાંભળીને ભરતેશ્વર બોલ્યા : “હે દેવતાઓ ! તમે અમારા પિતાના ભક્ત છો અને અમે તેમના પુત્રો છીએ. તેથી ઘટિત-અઘટિત વિચારીને જે યથાર્થ હોય તે અમને ફરમાવો. હું લોભથી, ગર્વથી કે માત્સર્યથી યુદ્ધ નથી કરતો, પણ શસ્ત્રાગારમાં ચક્રરત્ન પ્રવેશ કરતું નથી. માત્ર એક બાહુબલિ જ મારા પ્રત્યે દુર્વિનીત થયો છે. પહેલા તો પિતાની જેમ મારો આદર કરતો હતો, પણ અત્યારે તે મારી આજ્ઞા પણ માનતો નથી. એક તરફ મારો લઘુભ્રાતા છે અને બીજી તરફ ચક્રરત્ન પોતાના સ્થાનમાં પેસતું નથી. હે દેવતાઓ ! હું આવા સંકટમાં પડ્યો છું, માટે તમે મને ન્યાય આપો. તમે વિબુધ હોવાથી જે કહો તે મારે પ્રમાણ છે.” - ભરત ચક્રવર્તીના આવા વચનો સાંભળીને તે દેવો બોલ્યા, “હે મહીપતિ ! જો ચક્રનો પ્રવેશ ન થાય, તો તમને યુદ્ધથી વારવા યોગ્ય નથી અને જો બાહુબલિ યુદ્ધ જ કરવાનું કહે, તો તમારે બંનેએ જ વંદયુદ્ધ કરવું. તે યુદ્ધમાં દૃષ્ટિયુદ્ધ, વાગ્યુદ્ધ, મુષ્ટિયુદ્ધ અને દંડયુદ્ધ એ ચાર યુદ્ધથી તમારે યુદ્ધ કરવું. જેથી તમારું માન સચવાય અને નિષ્કારણ જીવોની હિંસા ન થાય.”
આ વાત ભરત ચક્રવર્તીએ સ્વીકારી. એટલે દેવો બાહુબલિનાં સૈન્યમાં આવ્યા. ત્યાં જઇ, “હે યુગાદિ પ્રભુના પુત્ર બાહુબલિ ! તમે જય પામો અને આનંદમાં રહો.” એવી આશિષ આપીને બોલ્યા, “મહારાજ બાહુબલિ ! તમે યશના અર્થી અને વડીલના ભક્ત છો, છતાં વડીલબંધુ સાથે યુદ્ધ કેમ આરંભ્ય છે? એમાં જગતનો સંહાર થઈ રહ્યો છે. માટે હે ભૂપતિ ! ચાલો અને (ભારત) વડીલબંધુને પ્રણામ કરો. ગુરુજનની સેવાથી તમને વિશેષ માન મળશે. સર્વ રીતે તમે પ્રશંસા પામશો.” આમ કહીને દેવતાઓ મૌન થયા એટલે બાહુબલિ બોલ્યા, “હે દેવતાઓ ! તમે પિતાશ્રીના અતિ ભક્ત હોવાથી સરળ હૃદયવાળા છો. પણ પૂર્વે પિતાશ્રીએ અમને અને ભરતને રાજયસંપત્તિ વહેંચી આપેલી છે. અમે તો પિતાની આજ્ઞાથી તેટલા જ રાજ્યમાં સંતુષ્ટ થઈને રહ્યા છીએ. પરંતુ અસંતોષી ભરતે આખા ભરતખંડને પોતાને આધીન કરી લીધો. એટલું જ નહીં, અપૂર્ણ આશાવાળા તેણે ભાઇઓનાં રાજય પણ લઈ લીધાં છે અને છેવટે મારા રાજ્યને પણ લેવા ઇચ્છે છે. તો આવા બંધુને હું ગુરુબુદ્ધિથી કેમ નમું ? માટે હે દેવતાઓ ! જો તમે તેનું હિત ઇચ્છતા હો તો, તે લોભાંધને જઇને સમજાવો. હું તેના જેવો લોભી નથી.'
આવી બાહુબલિની વાણી સાંભળી અંતરથી આશ્ચર્ય પામેલા દેવોએ બાહુબલિને કહ્યું કે, “જ્યાં સુધી ચક્ર પ્રવેશ કરે નહીં, ત્યાં સુધી ભરત રાજાને શી રીતે યુદ્ધથી અટકાવી શકાય? અને તે યુદ્ધ કરે, તો તમારે યુદ્ધ કરવું, એ નિશ્ચય છે. એટલે
શ્રી શત્રુંજય માહાસ્ય સાર • ૮૦