________________
પ્રકાશકીય નિવેદન
અનેક શારીરિક, માનસિક, કાર્મિક ઉપાધિઓથી ઘેરાયેલા અને એટલે જ વ્યથિત, પીડિત એવા જીવોને જોઇ આજથી ૨૫૦૦ જેટલા વર્ષ પૂર્વે કરુણાથી પરિપ્લાવિત અંતઃકરણવાળા શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ જગતને પોતાની મધુરી વાણીથી પ્રતિબોધિત કર્યું. આજે પણ એ વાણી જગતને સાચો રાહ દર્શાવે છે. પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ કેવલજ્ઞાનની પ્રાપ્તિ બાદ જે રાહ દર્શાવ્યો તે રાહ ઉપર સ્વયં પોતે ચાલ્યા હતા. કઠિનમાં કઠિન સાધના કરી હતી. એમની એ સાધનાનું વર્ણન ગમે તેવા સહૃદયી સજ્જનને આંસુ પડાવ્યા વિના રહે નહી. આવી દર્દનાક સાધના પરમાત્માએ હસતા હસતા કરી છે.
જૈનશાસનની માન્યતા અનુસાર પરમાત્મા થવાનો અધિકાર કોઇ એક વ્યક્તિને જ નથી મળ્યો. પણ, સહુ કોઇને મળેલ છે. સાધના કરનાર કોઇ પણ વ્યક્તિ પરમાત્મા થઇ શકે છે. પામરમાંથી પરમાત્મા સુધી પહોંચવું શક્ય છે. પરમાત્મા મહાવીરસ્વામી પણ રાતોરાત પરમાત્મા નથી બની ગયા. પણ ર૭ ભવની યાત્રા તેમણે પણ ખેડી છે. ચડતી-પડતીના અનેક દિવસો આવે છે, પૂર્વના ભવોમાં કરેલી ભૂલોની સજા પરમાત્મા મહાવીરને ર૭મા ભાવમાં પણ ભોગવવી પડી છે. શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના જીવનને સંલગ્ન આવી ઘણી બધી વાતો શ્રીગુણચંદ્રગણિવર્યજીએ “શ્રીમહાવીરચરિય' ગ્રન્થરૂપે ગૂંથી છે. અનેક બોધપાઠો આપતું આ ચરિત્ર ખરેખર ખૂબ જ આસ્વાદ્ય છે.
વર્ષો પૂર્વે શ્રી આત્માનંદ જૈન સભા તરફથી આ ગ્રંથનો ગુર્જરાનુવાદ પણ બહાર પડેલ. તે ગુર્જરાનુવાદમાં યથાયોગ્ય ફેરફાર કરી તથા મૂળ પ્રાકૃતગ્રંથની સંસ્કૃત છાયા કરવાનું ભગીરથ કાર્ય પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રીયશોવિજયજી મ. સા. ના શિષ્યરત્ન પરમ પૂજ્ય મુનિરાજ શ્રી નિર્મલયશવિજયજી મ. સા. એ કર્યું છે. તેઓશ્રીએ આવા રૂડા ગ્રંથને પ્રકાશિત કરવાનો મોકો અમને આપી અમારી શ્રીસંસ્થા ઉપર અનુપમ ઉપકાર કર્યો છે.
પરમ પૂજ્ય સંકલસંઘ હિતચિંતક સ્વ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. ના દિવ્યાશિષથી, પરમ પૂજ્ય સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ આચાર્ય દેવેશ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાના શુભાશિષથી આવા પ્રકાશનોનો લાભ અમને મળતો રહે છે.
આ પ્રકાશન કાર્યમાં સંપૂર્ણ આર્થિક સહયોગ આપનારા શ્રી ભુજ તપગચ્છ જૈન સંઘનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
શ્રી આત્માનંદ જૈન સભા, ભાવનગર તરફથી ગુર્જરાનુવાદને સંશોધિત કરી પુનઃ પ્રકાશન કરવા માટે સંમતિ મળી છે, તેના પણ અમે ખૂબ ખૂબ ઋણી છીએ.
તથા આ ગ્રંથના અક્ષરાંકન માટે આચાર્ય શ્રીલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબા તરફથી ખૂબ જ સ્તુત્ય સહયોગ મળેલ છે. તથા ગ્રંથના મુદ્રણ વગેરે કાર્ય માટે શ્રી પાર્શ્વ કોમ્યુટર્સ તરફથી પણ પ્રશંસનીય સહકાર મળેલ છે.
તદુપરાંત આ કાર્યમાં જે જે સંસ્થા-વ્યક્તિ સહયોગી થયા છે તે સૌનો અમે આભાર માનીએ છીએ. આવા રૂડા ગ્રંથના વાંચનનો વ્યાપ વધે અને શ્રીસંઘ તેના દ્વારા શીઘ મુક્તિ પદને પ્રાપ્ત કરે એજ.
લિ. શ્રી દિવ્યદર્શન ટ્રસ્ટ વતી કુમારપાળ વી. શાહ