________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૫ | ચતુર્થ પ્રસ્તાવ
૨૫૯ નિર્ણય કર્યા પછી જીવવીર્ય સિંહાસન ઉપર બેઠેલા રાજાનું સ્વરૂપ પૂછે છે. તે રાજા ચારિત્રધર્મ છે અને તે ચાર મુખવાળા છે. તેથી જે જીવોના ચિત્તમાં દાન-શીલ-તપ અને ભાવરૂપ ચાર પ્રકારના ધર્મોને કહેનારા પરમગુરુ શ્રુતજ્ઞાનના ક્ષયોપશમથી સ્થાપન થાય છે, તેઓના ચિત્તમાં સદા તે પરમગુરુનો ચાર પ્રકારનો ઉપદેશ સ્વભૂમિકાનુસાર સદા પરિણમન પામે છે. (૧) દાનધર્મ:
ભગવાને કયા પ્રકારે દાનધર્મ બતાવ્યું છે તેનું સ્વરૂપ વિચારે છે અને ત્યાં ભગવાનનો દાનધર્મ કહેનારું વચન જીવોને પાત્રમાં દાન આપવા પ્રેરણા કરે છે, શેનું દાન ? તેથી કહે છે – મોહનાશ માટે ભગવાનનું વચન સદૃજ્ઞાનનું દાન અપાવે છે અને જગતના જીવોને અભયદાન અપાવે છે. આથી જ ભગવાનના વચનાનુસાર ચાલનારા સુસાધુઓ પોતાના શક્તિના પ્રકર્ષથી યોગ્ય જીવોના મોહનાશ માટે સમ્યક માર્ગનો ઉપદેશ આપે છે અને જગતના જીવોને અભયદાન આપે છે; કેમ કે મુનિઓ પકાયના પાલનના અધ્યવસાયવાળા હોય છે. વળી જે મુનિઓ સદુધર્મમાં નિરત છે તેઓનો દેહ સદુધર્મના પાલનનો આધાર છે. તેવા મુનિઓને સંયમપાલનમાં ઉપકારક એવાં આહાર-વસ્ત્ર-પાત્રાદિ અપાય એ પ્રકારે દાનધર્મ ઉપદેશ આપે છે. તેથી યોગ્ય શ્રાવકો તેવા ઉત્તમ મુનિઓના સંયમપાલનના કારણભૂત દેહને ઉપખંભક એવા આહારાદિ આપીને પોતાનામાં સંયમની શક્તિનો સંચય કરે છે.
વળી, દયાળુ જીવો દીન, દુઃખિયા આદિ જીવોને આહારાદિ આપે છે તેને વિશે ભગવાનનું વચન નિષેધ કરતું નથી અર્થાત્ અનુકંપાદાન કરો ઇત્યાદિ વિધાન પણ કરતું નથી અને ભદ્રક પ્રકૃતિવાળા જીવો અનુકંપાદાન કરે છે તેનો નિષેધ પણ કરતું નથી. ફક્ત યોગ્ય જીવોને બીજાધાનનું કારણ બને તેવું ભાવઅનુકંપાદાન અને તેના કારણભૂત દ્રવ્યઅનુકંપાદાનનું વિધાન પણ ભગવાનનું શાસન કરે છે. આથી જ સંયમગ્રહણ કરતી વખતે ભગવાને સંવત્સરદાન આપેલું. જે યોગ્ય જીવોને બીજાધાનનું કારણ તેવા દાનનું વિધાન કરે છે જ્યારે અન્ય અનુકંપાદાન લોકમાં કરાતું હોય તેનું નિષેધ કરતું નથી. આથી જ બીજાધાનનું કારણ ન હોય તેવા દાનની જેઓ પ્રશંસા કરે છે તેઓ પ્રાણીવધને ઇચ્છે છે અને જેઓ નિષેધ કરે છે તેઓ વૃત્તિનો ઉચ્છેદ કરે છે. તેમ કહીને તેવા દાનની પ્રશંસાનો પણ નિષેધ છે અને નિષેધ કરવાનો પણ નિષેધ છે. એમ આગમમાં કહેલ છે.
વળી, કેટલાક દર્શનવાળા ગોદાન, અશ્વદાન, ભૂમિદાન, સુવર્ણદાન વગેરે દાનને ધર્મ કહે છે. તેવા ધર્મને આ દાનધર્મનું મુખ નિષેધ કરે છે; કેમ કે ધર્મની બુદ્ધિથી તેવું દાન તેઓ કરે છે અને તે દાન ધર્મની પ્રાપ્તિનું કારણ નથી. આથી જ સાધુને પણ કોઈ સુવર્ણ આદિ દાન કરતું હોય તો તે દાન ભગવાનનું શાસન નિષેધ જ કરે છે; કેમ કે સુવર્ણ આદિનું દાન સાધુના સંયમનું પોષક નથી.
વળી, દાનધર્મ જે દાનનું કથન કરે છે તે દાન સદ્આશયને કરનારું છે; કેમ કે મુનિઓ સજ્ઞાન અને અભયદાન આપે છે, તેનાથી તેઓને જગતના જીવોના પ્રત્યે અનુકંપાનો પરિણામ છે અને સન્માર્ગની પ્રાપ્તિ કરાવવાનો અધ્યવસાય છે તેથી મુનિઓના સુંદર આશયને કરનારું તે દાન છે. વળી, સાધુના સંયમ