________________
૧૦૭
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ રક્તવર્ણવાળી છે; કેમ કે જીભ બધા જીવોની લાલ હોય છે. અને જેમ કોઈક સ્ત્રીની સાથે દાસીની પુત્રી હોય તેમ આ રસનાને લોલુપતા રૂપ દાસીની પુત્રી છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે શરીરના અંગરૂપ જીભ છે તે રસના છે અને મોહનીય કર્મના ઉદયથી લોલુપતા છે તે રસનારૂપી સ્ત્રીની દાસી પુત્રી છે. અને રસનાને જોઈને જડ જીવને હર્ષ થાય છે; કેમ કે સંસારી જીવોને કોઈ સુંદર સ્ત્રી જોવા મળે તો આનંદ આવે છે તેમ સંસારી જીવોની જીભરૂપી રસના ખાવાના શોખીન જીવોને આનંદનું સ્થાન બને છે અને જડ જીવોને તે જીભ જ સર્વ સુખોનું એક કારણ દેખાય છે. આથી જ પ્રતિદિન નવી નવી વાનગીઓ ખાઈને તે જીભ સાથે આનંદ અનુભવે છે. વળી જડ જીવોને તે રસના પરસ્ત્રી છે તેવો વિચાર આવતો નથી પરંતુ પોતાના ભોગનું સાધન છે તેમ દેખાય છે. વળી વિચક્ષણ પણ તે સ્ત્રીને જુએ છે અને તેને વિચાર આવે છે કે આ પરસ્ત્રી છે તેથી તેની સાથે રાગથી જોવું પણ મહાત્માને માટે ઉચિત નથી અને તેની સાથે રાગથી સંભાષણ કરવું ઉચિત નથી; કેમ કે મહાત્માઓ સન્માર્ગમાં રક્ત હોય છે તેથી પરસ્ત્રીની સામે જોઈને પણ નીચી દૃષ્ટિથી તેની સાથે ક્વચિત વાર્તાલાપ કરે છે. તેથી એ ફલિત થાય કે વિચક્ષણ જીવને આ ઇન્દ્રિય કર્મથી નિર્માણ થયેલી છે, આત્માની પ્રકૃતિ નથી માટે તે મારા માટે પરસ્ત્રી છે. આત્માની સ્વસ્ત્રી તો સમતાની પરિણતિ છે તેવો બોધ છે તેથી રસનાને શું ગમે છે, શું ગમતું નથી ઇત્યાદિ વિચાર કરીને વિચક્ષણ પુરુષો આસક્તિ કરતા નથી. પરંતુ જેમ પરસ્ત્રી સામે નીચી દૃષ્ટિથી જુએ છે તેમ રસનાને ભોગસુખના કારણરૂપે જોતા નથી. પરંતુ તેનાથી દૂર રહેવું જોઈએ તેમ વિચારીને આહાર સંજ્ઞાથી પર રહેવા પ્રયત્ન કરે છે. વળી તે વિચક્ષણ જડને કહે છે કે આ પરસ્ત્રી સાથે વાત કરવી ઉચિત નથી માટે આપણે અહીંથી જઈએ એમ કરીને તેનાથી દૂર જાય છે તેથી એ પ્રાપ્ત થાય કે રસનેન્દ્રિયના વિલાસથી વિચક્ષણ સ્વયં દૂર રહે છે અને જડને પણ વારણ કરે છે. તે વખતે તે રસનાની લોલુપતા નામની દાસચેટી છે તે તેઓ પાછળ દોડતી આવે છે અને કહે છે કે તમે મારું રક્ષણ કરો; કેમ કે તમે બંને મારી સ્વામિનીને છોડીને જશો તો તે મરી જશે.
આનાથી એ પ્રાપ્ત થાય કે જો રસનેન્દ્રિયના ભોગથી વિચક્ષણ અને જડ અત્યંત પરામુખ થાય તો ધીરેધીરે તેઓ નિર્વિકારી થઈને મોક્ષમાં પહોંચે તો તેઓની જીભ કાયમ માટે નાશ પામે. તેથી તેના રક્ષણ માટે જીવમાં વર્તતી લોલુપતાની પરિણતિ તેઓને જીભનું રક્ષણ કરવા વિજ્ઞપ્તિ કરે છે. અને જડ લોલુપતાના વચનથી આવર્જિત થઈને રસનાને જીવાડવા માટે તત્પર થાય છે. વિચક્ષણને જણાય છે કે આ લોલુપતા પણ સુંદર નથી. પરંતુ વંઠેલી ચંચલ સ્ત્રી છે. તેથી આ ઠગનારી છે; કેમ કે વિચક્ષણ પુરુષને રસનેન્દ્રિયની લોલુપતા કર્મબંધના બીજરૂપ દેખાય છે. સર્વ અનર્થોના કારણ રૂપ દેખાય છે તેથી લોલુપતામાં રહેલી ચંચળતા વગેરે આત્માની વિકૃતિ સ્વરૂપે દેખાય છે છતાં જડના આગ્રહથી લોલુપતા પોતાનો અનાદિનો સંબંધ છે તેમ કહીને શું કહેવા માંગે છે તે જાણવા માટે વિચક્ષણ અને જડ રસના પાસે જાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે રસનેન્દ્રિયની લોલુપતા જીભ વિદ્યમાન હોવાથી વિચક્ષણમાં પણ સર્વથા ગઈ નથી અને જડમાં અત્યંત સ્થિર છે તેથી લોલુપતાના વચનથી જડ જીભનું પૂરેપૂરું અનુસરણ કરે છે અને વિચક્ષણ લોલુપતા જીવનો અસુંદર ભાવ છે તેમ જોનાર છે તોપણ લોલુપતા દ્વારા રસનાના જૂના સંબંધને જાણવા