________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ | ચતુર્થ પ્રસ્તાવ
૧૦૫ સંચયનો પરિણામ થયો. વળી, કેટલાક જીવો અત્યંત ભોગવિલાસની પરિણતિવાળા હોવાથી દેશવિરતિનો પરિણામ પણ પ્રાપ્ત કરી શક્યા નહીં છતાં વિચક્ષણસૂરિ મહાત્માના ઉપદેશના મર્મને સ્પર્શી શક્યા તેથી તેઓનું મિથ્યાત્વ નાશ પામ્યું. તેના કારણે સંસારની રૌદ્રતા, વિષયોની અસારતા, મોક્ષની સુંદરતા ઇત્યાદિ ભાવો જે રીતે મહાત્માએ બતાવ્યા તે જ રીતે તેઓને બુદ્ધિમાં સ્થિર થયા.
આનાથી એ ફલિત થાય કે જેમ વિચક્ષણસૂરિએ સંસારી જીવોને સંસારનું વાસ્તવિક સ્વરૂપ બતાવ્યું અને હિતમાં કઈ રીતે પ્રવૃત્તિ કરવી જોઈએ તેનો પારમાર્થિક બોધ શ્રોતાની ભૂમિકાનુસાર કરાવ્યો તે રીતે જે મહાત્માઓ આ પ્રકારની દેશનાને શ્રોતાની ભૂમિકાનુસાર કહી શકે છે તેઓ જે યોગ્ય જીવોના હૈયામાં મોક્ષમાર્ગનું સ્થાપન કરી શકે છે. વળી, કેટલાક જીવોનું મિથ્યાત્વ દૃઢ હોવા છતાં કંઈક તત્ત્વને અભિમુખ ભદ્રક પરિણામવાળા થયા. તેઓ પણ પ્રસ્તુત ઉપદેશથી યોગબીજોને પ્રાપ્ત કરીને કલ્યાણની પરંપરાને પ્રાપ્ત કરે છે.
આ પ્રસંગ દરમિયાન રિપુદારણના પિતા નરવાહનરાજા વિચક્ષણસૂરિને પ્રશ્ન કરે છે કે આ પ્રકારનું અદ્ભત રૂ૫ આદિ હોવા છતાં તમને વૈરાગ્ય કેમ થયો? તેથી વિચક્ષણસૂરિ કહે છે કે સાધુ પોતાની સ્તુતિ, પરની નિંદા અને સંયમ પૂર્વેના જીવનની ગૃહસ્થઅવસ્થાનું જે કીડન છે, તેનું કથન કરે નહીં. તેથી મારે મારું પોતાનું ચરિત્ર કહેવું ઉચિત નથી. તોપણ રાજાનો અને લોકોનો ઉપકાર થશે તેવું જાણીને મહાત્મા અત્યંત મધ્યસ્થભાવપૂર્વક પોતાનું ચરિત્ર કહે છે. તેથી ફલિત થાય છે કે સાધુએ પોતાના જીવનના પૂર્વના પ્રસંગનું ક્યારેય સ્મરણ કરવું જોઈએ નહીં. વળી ગૃહસ્થ અવસ્થામાં પોતે આવા ઉત્તમ ગુણોવાળા હતા, ઇત્યાદિ સ્મૃતિ કરવી જોઈએ નહીં. અને બીજાઓની નિંદા પણ કરવી જોઈએ નહીં. છતાં વિશેષ લાભ જણાવાથી આચાર્ય પોતાના સહવર્તી જડની નિંદા અને પોતાની ઉત્તમતાની સ્તુતિ અને પોતે ગૃહસ્થ અવસ્થામાં કઈ રીતે ઉચિત પ્રવૃત્તિથી જીવતા હતા તે સર્વનું કથન પ્રસ્તુત વર્ણનમાં કરે છે તેથી શબ્દથી આત્મહુતિ આદિ ત્રણેની પ્રાપ્તિ છે છતાં માત્ર ઉપકારબુદ્ધિથી તે ભાવો પોતાને સ્પર્શે નહીં તે રીતે તે મહાત્મા રાજા આદિના ઉપકાર અર્થે કથન કરે છે.
વળી સૂરિ પોતાના જીવનનું વર્ણન કરતી વખતે બહિરંગ કોણ માતા-પિતા છે ઇત્યાદિ કહેતા નથી. પરંતુ અંતરંગ માતા-પિતા વગેરેને કહે છે જેથી યોગ્ય જીવોને તત્ત્વનો બોધ થાય. ત્યાં ભૂતલ નામનું નગર કહ્યું તે મનુષ્યલોક છે. અને મલસંચય રાજા કહ્યો તે સંસારી સર્વ જીવો શુભ કે અશુભ મલવાળા છે તેથી જ સંસારમાં જન્મે છે માટે સંસારમાં જન્મનું બીજ કર્મમલનો સંચય છે અને તેની તત્પતિ નામની રાણી છે તે વિપાકમાં આવેલાં કર્યો છે. અને મલસંચય અને તત્પક્તિ દ્વારા શુભોદય નામનો પુત્ર થયો અને બીજો અશુભોદય નામનો પુત્ર થયો, તે કર્મના વિપાકથી ઉત્પન્ન થયેલ શુભકર્મનો ઉદય અને અશુભકર્મનો ઉદય છે. અને જે જીવમાં શુભકર્મનો ઉદય હોય ત્યારે તેમાં નિજચારુતા આવે છે, તે તેની પત્ની છે.
આનાથી એ પ્રાપ્ત થાય કે મોક્ષમાર્ગને અનુકૂળ દર્શનમોહનીય, જ્ઞાનાવરણીય આદિ કર્મોના ક્ષયોપશમથી યુક્ત એવાં શુભકર્મોનો ઉદય હોય તે જીવોમાં નિજચારુતા રૂપ પ્રકૃતિ પ્રગટ થાય છે. તેથી તે જીવો પોતાના આત્મહિતની ચિંતા કરનારા બને છે. શુભોદય અને નિજચારુતાથી વિચક્ષણ પુરુષનો જન્મ થાય છે. તેથી