________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૪ / ચતુર્થ પ્રસ્તાવ
અનર્થોની પરંપરાથી આત્માનું રક્ષણ કરીને સુગતિઓની પ્રાપ્તિ થાય એવો યત્ન કરવો જોઈએ.
વળી, સંસારી જીવોને પાંચ ઇન્દ્રિયોના વિષયો હિત સાધવામાં વિઘ્નભૂત છે તેથી મહાત્મા કહે છે કે વિષયો પરિણામથી કટુ છે. અર્થાત્ સેવન કરતી વખતે મધુર જણાય છે. પરંતુ તેનાથી બંધાયેલા કર્મના ફળનો વિચાર કરવામાં આવે તો વિષયોના સેવનકાળમાં જે સુખ થયેલું તેનાથી પ્રચુર ક્લેશની પ્રાપ્તિ તે વિષયથી બંધાયેલાં કર્મોને કારણે થાય છે આથી જ વિષયઆસક્ત જીવો મનુષ્યભવમાં ક્ષણિક સુખ ભોગવીને નારકીની દીર્ઘકાળની કારમી યાતના ભોગવે છે. આ પ્રમાણે નિપુણતાથી વિચારવાને કા૨ણે વિષયોનાં કટુફળો સ્મૃતિમાં આવે છે જેથી વિષયો પ્રત્યેની વૃદ્ધિ ક્ષીણ થાય છે. વળી, પુણ્યના ઉદયથી સંસારી જીવોને જે સુંદર સંયોગો મળ્યા છે તે વિયોગના અંતવાળા છે; કેમ કે પુણ્યની સમાપ્તિથી કે આયુષ્યના ક્ષયથી તે સંયોગોનો અવશ્ય નાશ થાય છે અને જ્યારે તે વસ્તુનો નાશ થશે ત્યારે જીવ અત્યંત દુ:ખી થશે, તેથી જો કુશળતાપૂર્વક તે સત્સંગમો પ્રત્યે સંશ્લેષનો પરિણામ અલ્પ અલ્પતર કરે તો તેના વિયોગકાળમાં નાશના અનર્થની પ્રાપ્તિ થાય નહીં. માટે મહાત્માઓ ભાવન કરે છે કે બધા સુંદર સંગમો વિયોગના અંતવાળા છે.
૧૦૩
વળી, આયુષ્ય પાત થવામાં તત્પર છે અને જણાવ્યા વગર ગમે ત્યારે નાશ પામશે. તેથી આયુષ્યનો ક્ષય થાય તેના પૂર્વે જ બળતા ઘર જેવા સંસારના કારણ એવા કષાયરૂપી અગ્નિને શાંત કરવા માટે યત્ન કરવો જોઈએ. અને કષાયના અગ્નિને બૂઝવવાનો ઉપાય ભગવાનનું વચન છે પ્રધાન જેમાં એવી ધર્મમેઘ સમાધિ છે. તેથી પ્રતિદિન ભગવાનના વચનથી ભાવિત થઈને આત્મામાં ધર્મના મેઘની ઘટાઓ એકઠી થાય તેવો યત્ન કરવો જોઈએ. જેનાથી સ્થિર થયેલો ધર્મમેઘ ક્ષપકશ્રેણિ કાળમાં વર્ષીને સંસારના અગ્નિને બૂઝવશે.
વળી, ધર્મમેઘ સમાધિને પ્રગટ કરવાનો ઉપાય સિદ્ધાંત છે. તેથી સિદ્ધાંતનો સ્વીકાર કરવો જોઈએ અર્થાત્ સર્વજ્ઞએ પોતાની ભૂમિકાનુસાર શું ઉચિત કર્તવ્ય છે તેનો ઉપદેશ આપેલો છે તે મારે કરવું છે તેમ દૃઢ સંકલ્પપૂર્વક યત્ન કરવો જોઈએ. અને તેના માટે સિદ્ધાંતના પરમાર્થને જાણનારા ઉત્તમ પુરુષનો સમ્યક્ પરિચય કરવો જોઈએ. જેથી તેઓ પાસેથી ધર્મના વચનના રહસ્યની પ્રાપ્તિ થાય.
વળી, મુંડમાલિકાના ઉપમાનું ભાવન કરવું જોઈએ. મુંડ એટલે ઘડો અને માલિકા એટલે ફૂલની માળા. જીવને બોધ છે કે ફૂલની માળા ધારણ કરાયેલી સાંજે કરમાશે તેથી તે રીતે માળા કરમાય છે ત્યારે ખેદ થતો નથી. અને ઘડો અચાનક ફૂટે છે ત્યારે ખેદ થાય છે; કેમ કે હજી રહેશે તેવી આસ્થા છે. પરંતુ જેઓએ ભાવન કર્યું છે કે જગતના સર્વ પદાર્થો નાશવંત છે, કોઈ આજે નાશ પામશે કે કાલે પામશે, તેઓને અતિમૂલ્યવાન વસ્તુ પણ નાશ પામે તોપણ માળાની જેમ તેનો નાશવંત સ્વભાવ છે તેમ ભાવન કરેલ હોવાથી ક્લેશ થતો નથી. આ રીતે ભાવન કરવાથી સંસારના સર્વભાવો અત્યંત અનિત્ય છે માટે નિત્ય એવા મારા આત્માના હિતકારી ભાવોમાં હું દૃઢ યત્ન કરું એવું સદ્વીર્ય ઉલ્લસિત થાય છે.
વળી, બાહ્ય પદાર્થોની અપેક્ષાનો ત્યાગ કરવો જોઈએ અને સદા ભગવાનની આજ્ઞાપ્રધાન થવું જોઈએ અને ભગવાનની આજ્ઞા છે કે તમારી શક્તિ અનુસાર તે અનુષ્ઠાન કરો કે જેનાથી ચિત્ત વીતરાગના