________________
૩૬૨
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૩ | તૃતીય પ્રસ્તાવ ભાવાર્થ :
નંદિવર્ધન અને કનકશેખર પિતાની આજ્ઞાથી કનકશેખરના પિતાના નગરે જવા માટે તત્પર થયા. તે વખતે નંદિવર્ધન સાથે વૈશ્વાનર અભિવ્યક્ત રૂપે હતો. પુણ્યોદય પ્રચ્છન્ન રૂપે હતો; કેમ કે પ્રસંગે પ્રસંગે તેનો કોપ અભિવ્યક્ત થતો હતો. અને તેના પુણ્યના સહકારથી તેના સર્વ પાસા સવળા પડતા હતા તોપણ પુણ્ય કૃત્ય રૂપે તેના જીવનમાં ન હતું તેથી ભૂતકાળનું પુણ્ય પ્રચ્છન્ન રૂપે તેને સહાય કરતું હતું, તે વખતે અન્ય શું બને છે તે બતાવવા માટે અંતરંગ દુનિયાનું રૌદ્રચિત્ત નગર કેવું છે તે બતાવતાં કહે છે. સંસારમાં જીવોને સંતાપ કરનારા, શિરછેદન, યંત્રમાં પીડન, મારણ વગેરે જે અશુભભાવો છે, તે અશુભભાવોને કરનારા જીવો રૌદ્રચિત્તમાં વર્તે છે. તેથી દુષ્ટ લોકોનું નિવાસસ્થાન રૌદ્રચિત્ત કહેવાય છે. તેથી એ પ્રાપ્ત થાય કે જેઓનું ચિત્ત રૌદ્ર પરિણામવાળું હોય છે તેઓને બીજા જીવોને સંતાપ કરે તેવા પ્રકારના અશુભભાવો થાય છે. વળી, જેના ચિત્તમાં રૌદ્રપરિણામ વર્તે છે તેઓ કલહ કરવાના સ્વભાવવાળા હોય છે તેના કારણે તેઓની પરસ્પરની પ્રીતિનો પણ વિચ્છેદ થાય છે. વળી, પરસ્પર સ્નેહનો સંબંધ હોવા છતાં વૈરની પરંપરા અનુભવાય છે તેથી રૌદ્રચિત્તવાળા જીવો ઘણા જીવો સાથે ઘણા ભવો સુધી કલહ આદિ વૈરની પરંપરાઓને પ્રાપ્ત કરે છે. માટે સર્વ અનર્થોની ઉત્પત્તિભૂમિ રૌદ્રચિત્ત નગર છે અને તેવા ચિત્તવાળા જીવો નરકમાં જવાની ભૂમિકા ઉત્પન્ન કરે છે. વળી, ક્લિષ્ટકર્મોવાળા જીવો રૌદ્રચિત્ત નગરમાં વસનારા છે તેથી જેનું ચિત્ત રૌદ્રધ્યાનયુક્ત વર્તે છે, તેના ચિત્તમાં સતત ક્લિષ્ટભાવો વર્તે છે તેથી તે જીવો ક્વચિત્ બાહ્યથી સુખી હોય તો પણ અંતરંગ તીવ્રફ્લેશનાં દુઃખોને ગ્રહણ કરે છે અને બીજા જીવોને પણ દુઃખનું કારણ બને છે, તેથી જેઓનું ચિત્ત પ્રસંગે પ્રસંગે રૌદ્રધ્યાનવાળું બને છે તે રૌદ્રચિત્ત નગર છે અને તે નગરનો રાજા દુષ્ટાભિસંધિ છે; કેમ કે જીવમાં કષાયોને વશ દુષ્ટ અભિસંધિઓ થાય છે તેનું ચિત્ત રૌદ્રધ્યાનમાં વર્તે છે. અને તે દુષ્ટ અભિસંધિ રાજા અનેક પ્રકારના દુષ્ટ લોકોને આશ્રયસ્થાન છે, તેથી દુષ્ટ અભિસંધિને કારણે જીવોને માનકષાય, ક્રોધકષાય, અહંકાર, શઠભાવ આદિ વિકારો ઊઠે છે તે સર્વનું કારણ તેઓનું રૌદ્રચિત્ત છે અને તેમાં ઉત્પન્ન થયેલ દુષ્ટ અભિસંધિ છે. વળી, તે દુષ્ટ અભિસંધિની પત્ની નિષ્કરુણતા છે. તેથી જેઓનું ચિત્ત રૌદ્રપરિણતિવાળું છે અને કોઈક નિમિત્તને પામીને તેના ચિત્તમાં દુષ્ટ
અભિસંધિ થાય છે ત્યારે નિષ્કરુણતા સાથે તેનો સંબંધ થાય છે. તે દુષ્ટ અભિસંધિની પત્ની છે અને તે નિષ્કરુણતા બીજાને સંત્રાસ આપવામાં કુશળ હોય છે અને દુષ્ટ અભિસંધિ અને નિષ્કરુણતામાંથી હિંસા નામની પુત્રી ઉત્પન્ન થાય છે. અર્થાત્ નિષ્કરૂણાવાળા જીવોને બીજાને હિંસા કરવાનો પરિણામ થાય છે તેથી તે હિંસાની નિષ્પત્તિનું કારણ દુષ્ટ અભિસંધિ અને નિષ્કરુણતા છે. અને તે હિંસા તે નગરમાં વસતા અન્ય સર્વ દુષ્ટ લોકોને અત્યંત પ્રિય છે; કેમ કે જીવમાં વર્તતા સર્વ પ્રકારના દુષ્ટભાવોને હિંસાની પરિણતિ અત્યંત પ્રિય હોય છે. વળી, આ હિંસા માતા-પિતાની અત્યંત ભક્તિ કરનારી અને વિનયવાળી છે; કેમ કે દુષ્ટ અભિસંધિ અને નિષ્કરુણતાને જે અત્યંત પ્રિય તેવું જ કાર્ય હિંસા કરે છે તેથી હિંસાની પરિણતિ દુષ્ટ અભિસંધિ અને નિષ્કરુણતા સાથે અત્યંત આત્મીયતાથી જોડાયેલો જીવનો પરિણામ છે. વળી, જેઓમાં આ હિંસાની પરિણતિ પ્રગટે છે તે હિંસાની પરિણતિ તે જીવને નરકમાં લઈ જાય છે. અને ઘોર સંસારમાં