________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૨ / દ્વિતીય પ્રસ્તાવ
૪૪
પ્રવર્તે છે. કેટલાક ઉપહાસ કરે છે=ભગવાનનું વચન મતિદુર્બલતાને કારણે તેના પરમાર્થને જાણી શકે નહીં ત્યારે આ ભગવાનનું વચન અસંબદ્ધ છે તેમ કહીને ઉપહાસ કરે છે. કેટલાક આત્માની ઉપદિષ્ટ અકરણશક્તિને પ્રગટ કરે છે=ભગવાને જે પ્રકારે કહ્યું છે તે પ્રકારે કરવાની પોતાની શક્તિ નથી તેમ કહીને નિઃસત્ત્વ બને છે.
વસ્તુતઃ ભગવાને જે જીવોની જે પ્રકારની શક્તિ છે તે શક્તિને અનુરૂપ ઉચિત મન-વચન-કાયાની પ્રવૃત્તિ કરવાની અનુજ્ઞા આપેલ છે. તેથી જેઓને ભગવાનના વચનાનુસા૨ ક૨વાનો અભિલાષ થાય તે જીવ અવશ્ય પોતાની ભૂમિકાનુસાર ઉપદિષ્ટ કૃત્ય કરી શકે, છતાં મૂઢતાને કારણે પોતાની શક્તિ નથી તેમ વિચારીને ભગવાનના વચન પ્રત્યે અનાદરવાળા થાય છે.
કેટલાક વચન દ્વારા દૂરથી જ ત્રાસ પામે છે=ભગવાનનું વચન ભોગાદિનો ત્યાગ કરાવનાર હોવાથી કેવલ ક્લેશકારી છે તેમ માનીને તેનાથી દૂર જ ભાગે છે.
વસ્તુતઃ ભગવાનનું વચન લેશ પણ ફ્લેશકારી નથી. સેવનારને તત્કાલ સુખ દેનાર છે. અને સુખની પરંપરાની વૃદ્ધિ દ્વારા અનેક ભવો સુધી અધિક અધિક સુખ પ્રાપ્ત કરાવનાર છે. છતાં મૂઢતાને કારણે તે વચનથી તેઓ ત્રાસ પામે છે.
કેટલાક તેને=સદાગમને, પ્રતારકબુદ્ધિથી શંકા કરે છે=લોકોને ભોગોથી વંચિત કરીને ઠગનાર ભગવાનનું આ વચન છે તેમ માને છે. કેટલાક તેમના વચનને=ભગવાનના વચનને, આદિથી જ જાણતા નથી=માત્ર ધર્મ કરે છે પરંતુ ભગવાનના વચનના તાત્પર્યતા લેશને પણ જાણતા નથી, કેટલાકને તેમનું વચન સંભળાયેલું પણ રુચતું નથી=ભગવાનનું સર્વ વચન ઉચિત પ્રવૃત્તિ કરીને મોહનાશને અનુકૂળ ઉપદેશ આપે છે તે સ્વરૂપે ભગવાનનું વચન તેઓને રુચતું નથી, કેટલાકને ભગવાનનું વચન રુચિત પણ=રુચિનો વિષય થયેલો હોવા છતાં પણ, તેનું સેવન કરતા નથી=સ્વભૂમિકાનુસાર કોઈ ઉચિત પ્રવૃત્તિ કરતા નથી, કેટલાક અનુષ્ઠાન કરવા માટે અધિકૃત પણ થયેલ=સેવવા માટે સ્વીકારાયેલા પણ, અનુષ્ઠાનને ફરી શિથિલ કરે છે. તેથી=આ પ્રકારના અનેક જીવો છે તેથી, આ પ્રમાણે સ્થિત હોતે છતે=ભગવાનના વચન અનુસાર દૃઢ યત્ન કરનારા જીવોનું બહુલતાએ અભાવ છે એ પ્રમાણે સ્થિત હોતે છતે, આને=સદાગમને, પરોપકાર કરણરૂપ સમીહિતની સિદ્ધિ સમ્યક્ પ્રાપ્ત થતી નથી. તેથી=સદાગમ નામના મહાપુરુષ યોગ્ય જીવોને ઉચિત ઉપકાર કરી શકતા નથી તેથી, આ=સદાગમ, પ્રાણીઓની અપાત્રતાને કારણે સતત ગાઢ ઉદ્વિગ્ન રહે છે. હિ=જે કારણથી ગુરુઓને પણ નિષ્ફલપણાથી કુપાત્રતા વિષયવાળો મહાપ્રયાસ ચિત્તના ખેદનો હેતુ થાય છે. વળી, આ રાજપુત્ર ભવ્યપુરુષ છે એથી આમને-સદાગમને, પાત્રભૂત ભાસે છે. ભવ્યપુરુષ છતો પણ જો દુર્મતિ થાય તો પાત્રતાને પામે નહીં. પરંતુ આ રાજપુત્ર જે કારણથી સુમતિ છે. આથી પાત્રભૂત જ છે. એથી કરીને આ સદાગમને અત્યંત વલ્લભ છે. એ પ્રમાણે અગૃહીતસંકેતાને પ્રજ્ઞાવિશાલા કહે છે.