________________
ઉપમિતિભવપ્રપંચા કથા ભાગ-૧ | પ્રથમ પ્રસ્તાવ
૨૨૧
ભાવ છે; કેમ કે દેવોને સર્વપ્રકારની સ્વસ્થતાનું સુખ જ છે, તેમ ધર્મ જ જીવને સર્વપ્રકારની સ્વસ્થતાને આપે છે. ધર્મ જ અમરેશ્વરતા=ઈંદ્રપણું છે. જેમ ઈંદ્રનું એકછત્ર સામ્રાજ્ય વર્તે છે તેમ જેના હૈયામાં ધર્મ સ્થિર થાય છે, તેના પોતાના આત્મા ઉપર એકછત્ર સામ્રાજય વર્તે છે. ધર્મ જ વજના આકારવાળી, લાવણ્યથી ત્રણે જગતને પરાજય કર્યો છે તેવી, જરા-મરણના વિકારથી રહિત કાયા છે; કેમ કે સંસારમાં કોઈને અત્યંત મજબૂત કાયા મળી હોય, અતિરૂપસંપન્ન હોય, તોપણ જરા-મરણના વિકાર વગરની કાયા પ્રાપ્ત થઈ શકે તેમ નથી. જ્યારે ધર્મ તો આત્માને એવો મજબૂત કરે છે કે જેથી કોઈ બાહ્ય નિમિત્તથી આત્માનો ધર્મ ભેદાતો નથી. વળી, સુંદર દેદીપ્યમાન દેહ જેમ રમ્ય દેખાય છે તેમ આત્મામાં પ્રગટ થયેલો ધર્મનો પરિણામ વિવેકીને પોતાના દેદીપ્યમાન સ્વરૂપ રૂપે
જ દેખાય છે. વળી, સંસારની કાયા જરા-મરણના વિકારવાળી હોય છે. પરંતુ ધર્મરૂપી કાયા તો સિદ્ધ અવસ્થામાં પણ શાશ્વત રહે છે, તેથી આત્મામાં સ્થિર થયેલો પરિણામ ક્યારેય નાશ પામતો નથી. પરંતુ ક્ષાયિકભાવ રૂપે સિદ્ધ અવસ્થામાં સ્થિર થશે. ધર્મ જ સમસ્ત શાસ્ત્રાર્થના શુભ શબ્દને ગ્રહણ કરવામાં ચતુર શ્રોત્રેન્દ્રિય છે.
જેમ કોઈની શ્રોત્રેન્દ્રિયનો એવો જ ક્ષયોપશમ હોય કે જે શાસ્ત્રોના યથાર્થ તાત્પર્યને ગ્રહણ કરવા સમર્થ હોય તો તે શ્રોત્રેન્દ્રિય તે જીવના કલ્યાણનું કારણ બને છે અને જે જીવના શ્રોત્રેન્દ્રિયનો તેવો જ ક્ષયોપશમ છે કે જ્યાં-ત્યાંથી જે તે શબ્દોનું શ્રવણ કરીને શાસ્ત્રના વિપરીત અર્થોને ગ્રહણ કરે છે તેઓનું શ્રોત્રેન્દ્રિય જ તેના વિનાશનું કારણ છે, તેમ તે જીવની તત્ત્વને જોનારી નિર્મળદૃષ્ટિરૂપ ધર્મ પરિણમન પામેલ છે તે જીવમાં ધર્મનો પરિણામ હંમેશાં તેને સૂક્ષ્મ-સૂક્ષ્મતર તત્ત્વને બતાવીને શાસ્ત્રના જ ગંભીરભાવોને બતાવે છે માટે ધર્મ જ ઉત્તમ શ્રૌત્ર છે. ધર્મ જ ભુવનના આલોકનમાં સમર્થ કલ્યાણના દર્શન કરનાર બે લોચન છે. જેમ ચક્ષુ પદાર્થનું યથાર્થ દર્શન કરાવીને અહિતથી નિવૃત્તિ અને હિતમાં પ્રવૃત્તિ કરાવે છે તેમ શ્રુત ચારિત્રરૂપ ધર્મ જીવને જગતની વ્યવસ્થા યથાર્થ દેખાડીને કઈ રીતે પોતાનું હિત થાય તેનો યથાર્થ માર્ગ બતાવનાર અંતરંગ લોચનતુલ્ય છે.
ધર્મ જ મતને પ્રમોદનું કારણ એવા અતિમૂલ્યવાન રત્નનો સમૂહ છે. રત્નનો સમૂહ જીવને પ્રમોદનો હેતુ છે અને દારિદ્રયનો નાશ કરનાર છે તેમ ધર્મ તત્કાળ ચિત્તમાં સ્વસ્થતા ઉત્પન્ન કરીને આનંદ ઉત્પન્ન કરે છે. અને દારિદ્રયનો નાશ કરનાર હોવાથી દરેક ભવોમાં તે ધર્મના બળથી સુખની પરંપરાને પ્રાપ્ત કરે છે.
ધર્મ જ ચિત્તના આલાદને કરનાર વિષઘાત આદિ આઠ ગુણોથી યુક્ત સુર્વણનો સમૂહ છે.
જેમ સુવર્ણના વિષઘાત આદિ આઠ ગુણો પ્રસિદ્ધ છે તેમ વીતરાગગામી ઉપયોગ સ્વરૂપ સ્વસ્વભૂમિકાનું ચિત્ત એ રૂપ જે ધર્મ તે સુવર્ણના સમૂહ જેવો જ છે; કેમ કે આત્મામાં રહેલા મોહરૂપી વિષના ઘાતન આદિ આઠ ગુણો છે તે ધર્મરૂપી ચિત્તમાં સદા વર્તે છે.