________________
આમ સજગતાપૂર્વક પ્રતિપાલન કરતાં કરતાં ગર્ભકાળ સમાપ્ત થયો. માગસર વદ અગિયારસની રાત્રે ભગવાનનો મંગલમય પ્રસવ થયો. પ્રસવની પુનિત વેળાએ ચોસઠ ઈદ્રોએ એકત્રિત થઈને ઉત્સવ ઉજવ્યો. સુમેરુ પર્વત ઉપર પાંડુક વનમાં તેઓ બાળકને લઈ ગયા, તેના નવજાત શરીર પર જલાભિષેક કર્યો. અભિષેક પછી બાળકને પાછો માતાની ગોદમાં લાવીને મૂકી દીધો.
રાજ મહાસેનને પુત્રજન્મની જ્યારે વધામણી મળી, ત્યારે વધાઈ આપનારને રાજાએ રાજ્ય-ચિહ્ન ઉપરાંત શરીર ઉપરથી સઘળાં કીમતી આભૂષણો ઉતારીને આપી દીધાં. સમગ્ર રાજ્યમાં પુત્રના જન્મનો મહોત્સવ ઉજવવામાં આવ્યો. અગિયાર દિવસ સુધી રાજાએ યાચકો માટે ભંડારો ખુલ્લા મૂક્યા. જે આવે તેને ઉમળકાથી દાન આપ્યું. રાજની આ ઉદાર વૃત્તિથી લોકો પ્રસન્ન થયા.
નામકરણ ઉત્સવ માટે લોકો દૂર દૂરથી આવ્યા. નિશ્ચિત સમયે પુત્રને લઈને માતા લક્ષ્મણા આયોજિત સ્થળે પહોંચ્યાં. લોકો બાળકને જોઈને સ્તબ્ધ થઈ ગયા. જાણે આકાશમાંથી ચંદ્રમા ઊતરી ન આવ્યો હોય ! નામકરણના સંદર્ભમાં ગર્ભકાળની વિશેષ ઘટના વિષે પૂછવામાં આવ્યું ત્યારે રાજા મહાસેને કહ્યું, તેના ગર્ભકાળમાં મહારાણીને ચંદ્રમાને પીવાનો દોહદ (ઇચ્છા) ઉત્પન્ન થયો હતો, જે મેં પૂર્ણ કર્યો હતો. બાળકના શરીરનું તેજ પણ ચંદ્ર જેવું છે, તેથી બાળકનું નામ ચંદ્રપ્રભ જ રાખવું જોઈએ. ઉપસ્થિત સૌકોઈએ તેનું નામ ચંદ્રપ્રભ રાખ્યું. વિવાહ અને રાજ્ય
ત્રિજ્ઞાનધારી (મતિ, શ્રુત, અવધિ) ચંદ્રપ્રભને ગુરુકુળમાં દીક્ષાની અપેક્ષા નહોતી. કોઈપણ તીર્થંકર ગુરુકુળમાં અભ્યાસ કરતા નથી. તેઓ સૌ ત્રણે જ્ઞાનના ધારક હોય છે. ભોગસમર્થ થતાં જ માતા-પિતાએ અનેક રાજકન્યાઓ સાથે ચંદ્રપ્રભ કુંવરનો વિવાહ કરી દીધો. રાજ મહાસેને પોતાની નિવૃત્તિનો અવસર સમજીને રાજ્યસંચાલનની જવાબદારી ચંદ્રપ્રભને સોંપી અને પોતે સાધનાપથના પથિક બની ગયા.
સમ્રાટ ચંદ્રપ્રભે પોતાના જનપદનું કુશળ સંચાલન કર્યું. તેમના રાજ્યકાળમાં સમૃદ્ધિ સતત વધતી રહી. લોકો પહેલાં કરતાં વિશેષ સમૃદ્ધ તેમજ બાહ્ય જોખમોથી મુક્ત બન્યા.
દીક્ષા
ભોગ્ય કર્મોનો ભોગ સમાપ્ત થતાં. ભગવાને પોતાના પુત્રને ઉત્તરાધિકાર સોંપીને વર્ષીદાન દીધું. દૂર દૂરથી લોકો પ્રભુના હાથે દાન લેવા
ભગવાન શ્રી ચંદ્રપ્રભ પ્રભુ ! ૭૯