________________
મહારાણી સુસીમાએ ચૌદ મહાસ્વપ્નો નિહાળ્યાં. સ્વપ્નનોફળ જાણી લીધા પછી સમગ્ર રાજ્યમાં પ્રસવની ઉત્સુકતાપૂર્વક પ્રતીક્ષા થવા લાગી.
આસો વદ બારસની મધ્યરાત્રે ગર્ભકાળ સમાપ્ત થતાં નિર્વિઘ્નતાપૂર્વક ભગવાનનો જન્મ થયો. તેમનો જન્મ થતી વખતે માતાને કોઈપણ પ્રકારની પીડા થઈ નહિ. દેવો પછી નાગરિકો સહિત રાજાએ પુત્રજન્મનો ઉત્સવ ઉજવ્યો. અગિયાર દિવસ સુધી રાજકીય ઉત્સવ ઉજવવામાં આવ્યો.
નામકરણ પ્રસંગે રાજા ધરે જણાવ્યું કે આ બાળક જ્યારે ગર્ભમાં હતો ત્યારે તેની માતાને પદ્મોની પથારી ઉપર સૂઈ જવાના દોહદ (ઇચ્છા) થયા હતા. બાળકના શરીરની પ્રભા પણ પદ્મ દેવી જ છે. તેથી તેનું નામ પદ્મપ્રભકુમાર જ રાખવું જોઈએ. સૌએ પદ્મપ્રભકુમાર નામ દ્વારા બાળકને બોલાવ્યો.
વિવાહ અને રાજ્ય
બાલ્ય અવસ્થા પછી જ્યારે પદ્મપ્રભકુમાર યુવાન થયા ત્યારે રાજા ધરે સુયોગ્ય રાજકન્યાઓ સાથે તેમનો વિવાહ તથા થોડાક વર્ષો પછી યોગ્ય સમજીને પદ્મપ્રભનો રાજ્યાભિષેક કરી દીધો. રાજ્યપ્રશાસનની જવાબદારી સોંપીને રાજા પોતે સાધનામાં લીન થઈ ગયા. પદ્મપ્રભ નિર્લિપ્તભાવે પ્રજાનું પાલન કરવા લાગ્યા. અવસ્થાની સાથે તેમનામાં ઉન્માદ ન જાગ્યો પરંતુ વાત્સલ્ય અને પ્રેમ છલકાયાં. પ્રજાના હિત-ચિંતનમાં તેમનો સઘળો સમય પસાર થવા લાગ્યો. તેઓ ક્યારેય વિશ્રામ કરતા નહિ. તેમના સંરક્ષણમાં લોકો સર્વથા નિશ્ચિત હતા. એક રીતે પ્રભુ તે સહુના પારિવારિક મુખી તરીકે અભિન્ન તેમજ આત્મીય બની ગયા હતા.
દીક્ષા
લાંબા સમયથી રાજ્યની જવાબદારી નિભાવ્યા પછી ભોગાવલી કર્મોને નિઃશેષ જાણીને ભગવાન દીક્ષા માટે ઉદ્યત થયા. લોકાંતિક દેવોએ પાંચમા સ્વર્ગલોકથી આવીને વિનંતિ કરી, ‘પ્રભુ ! વિશ્વના આધ્યાત્મિક ઉન્નયન માટે આપ પ્રયત્ન કરો. સમય પાકી ગયો છે તેથી હવે ધર્મચક્રનું પ્રવર્તન શરૂ કરો.’ ભગવાન પદ્મપ્રભે પોતાના ઉત્તરાધિકારીને રાજ્ય સોંપીને વર્ષીદાન દીધું. ભગવાનના વર્ષીદાનથી આર્યક્ષેત્રમાં હલચલ પેદા થઈ. પદ્મપ્રભથી અન્ય હજારો લોકો પરિચિત હતા. પ્રભુના વૈરાગ્યભાવે તે હજારો લોકોને વિરક્ત બનાવી દીધા. નિશ્ચિત તિથિ આસો વદ તેરસના દિવસે હજારો લોકો બહારથી આવી ગયા હતા. નગરની બહાર એક હજાર વ્યક્તિ તો ભગવાનની સાથે પ્રવ્રુજિત થવા માટે કટિબદ્ધ હતી. સૌ પોતપોતાના ઘરથી તૈયાર થઈને
આવ્યા હતા.
ભગવાન શ્રી પદ્મપ્રભ જ્ઞ ૭૧