________________
૫
ભગવાન શ્રી સુમતિનાથ
પૂર્વ ભવ
તીર્થંકર સુમતિનાથનો જીવ પૂર્વ જન્મમાં જંબૂદ્રીપની પૂર્વ મહાવિદેહની પુષ્કલાવતી વિજયમાં સમ્રાટ વિજયસેનના મહેલમાં ચિર અભિલષિત પુત્રરૂપે પેદા થયો હતો. તેમની પહેલાં સમ્રાટના ઘેર કોઈ સંતાન ન હોવાથી મહારાણી સુદર્શના અત્યંત ચિંતિત રહેતાં હતાં. એક વખત તેઓ ઉપવનમાં ફરવા ગયાં. ત્યાં તેમણે એક શ્રેષ્ઠિ-પત્નીની સાથે આઠ પુત્રવધૂઓને જોઈ. તેમને પોતાની રિક્તતા ડંખવા લાગી, તેમનું દિલ વિષાદમાં ડૂબી ગયું. તેઓ મહેલમાં આવીને રડવા લાગ્યાં. રાજાએ જ્યારે તેમને પૂછ્યું ત્યારે તેમણે સમગ્ર વાત કહી. રાજાએ કહ્યું કે તમે રડશો નહિ. હું અઠ્ઠમની તપસ્યા કરીને કુલદેવીને પૂછી લઉં છું. જેથી તમારી જિજ્ઞાસા શાંત થઈ જશે. રાજાએ પૌષધશાળામાં અઠ્ઠમ (તેલા)નું તપ સંપન્ન કર્યું.
કુલદેવી ઉપસ્થિત થયાં. રાજાએ સંતાનપ્રાપ્તિ વિષે જિજ્ઞાસા વ્યક્ત કરી. દેવીએ કહ્યું, તમારે ત્યાં એક પુત્ર સ્વર્ગથી ચ્યવન પામીને ઉત્પન્ન થશે. રાજાએ આ સુસંવાદ રાણીને સંભળાવ્યો કે તમારે પુત્રરત્ન થશે. ચિંતા ન ક૨શો. હવે રાણી પુત્રપ્રાપ્તિની પ્રતીક્ષામાં દિવસો પસાર કરવા લાગ્યાં.
ક્રમશઃ રાણીને ગર્ભ રહ્યો તથા ગર્ભકાળ સમાપ્ત થતાં એક તેજસ્વી તેમજ અત્યંત સ્વરૂપવાન બાળકને તેમણે જન્મ આપ્યો. રાજાએ બાળકનું નામ પુરુષસિંહ રાખ્યું. અત્યંત લાડકોડથી બાળકનું લાલનપાલન થવા લાગ્યું.
એક દિવસ કુંવર પુરુષસિંહ ઉદ્યાનમાં ફરવા માટે ગયા. ત્યાં તેમને વિજયનંદન આચાર્યનાં દર્શન થયાં. આચાર્ય દેવ પાસેથી તેમણે તાત્ત્વિક વિવેચન સાંભળ્યું. થોડીક ક્ષણોના સાન્નિધ્યમાં જ કુંવરનાં અંતર્નેત્ર ખૂલી ગયાં. પોતાના હિતાહિતનું ભાન તેમને થઈ ગયું, ભૌતિક ઉપલબ્ધિઓથી કુંવરને વિરક્તિ થઈ ગઈ.
તીર્થંકરચરિત્ર ૬૪