________________
વંદના કરીને આહાર માટે વિનંતી કરી. ભગવાને રાજમહેલમાં પ્રવેશ કર્યો. શ્રેયાંસકુમા૨ તત્કાળ અંદર ગયા અને જોયું કે કઈ કઈ ચીજો શુદ્ધ છે. તેમને ત્યાં માત્ર શેરડીનો રસ જ શુદ્ધ મળ્યો. શેરડીના રસની ઋતુનો અંતિમ દિવસ હોવાને કા૨ણે ખેડૂતો શેરડીના રસના ઘડા ભરીને ભેટ લાવ્યા હતા, જે એક જગાએ યથાવત્ મૂકવામાં આવ્યા હતા.
શ્રેયાંસકુમારે નિવેદન કર્યું કે, ‘ભંતે ! શેરડીના રસના એકસો આઠ ઘડા શુદ્ધ છે, આપ તે ગ્રહણ કરો.’ ઋષભે ત્યાં સ્થિર થઈને બંને હથેળીઓ ભેગી કરીને મોં આગળ ગોઠવી. રાજકુમાર શ્રેયાંસે ઉલ્લસિત ભાવથી શેરડીના રસનું દાન કર્યું. આમ શેરડીના ૨સ વડે ભગવાનનાં પારણાં થયાં. દેવોએ પાંચ દ્રવ્ય પ્રગટ કર્યાં. ‘અહોદાનં'ના ધ્વનિથી સમગ્ર આકાશ ગૂંજી ઊઠ્યું. દાનનો મહિમા તેમજ દાનની વિધિથી લોકો પરિચિત થયા. પ્રથમ ભિક્ષુક ઋષભ અને પ્રથમ દાતા શ્રેયાંસકુમાર કહેવાયા. ઋષભના એક સંવત્સરની તપસ્યા પછી દાનધર્મની સ્થાપના થઈ. ત્યારબાદ લોકો ધીમે ધીમે દાનધર્મથી ટેવાયા. શેરડીના રસના દાનથી વૈશાખ સુદ ત્રીજનો દિવસ ‘અક્ષય' કહેવાયો. તેને ઇક્ષતીજ ‘અખાત્રીજ' અથવા ‘અક્ષયતૃતીયા’ના નામથી લોકો ઓળખવા લાગ્યા. ઋષભના વર્ષીતપનાં પારણાંનો ઇતિહાસ તેની સાથે જોડાઇ જવાથી વર્ષનો તે મહત્ત્વનો દિવસ માનીને ઉજવાવા લાગ્યો. આગળ જતાં અન્ય અનેક ઘટનાઓ પણ તેની સાથે જોડાતી ગઈ. આજે પણ અક્ષય તૃતીયાનો દિવસ અનેક ઘટનાઓ, પરંપરાઓના સંગમરૂપ મનાય છે.
વિદ્યાધરોની ઉત્પત્તિ
ૠષભના સો પુત્રો સિવાય બે કુંવર એવા પણ હતા જેમને તેમણે પુત્રની જેમ વાત્સલ્ય આપ્યું હતું. તેઓ મહેલોમાં જ રહેતા હતા. તેમનાં માતા-પિતા જીવિત હતાં કે પછી તેમના જન્મ વખતે જ મૃત્યુ પામ્યાં હતાં તેની ખબર નહોતી. તેઓ ઋષભના ત્યાં જ રહીને મોટા થયા હતા. તેમનાં નામ નમિ અને વિનમિ હતાં. બંને ભાઈ ભગવાન દ્વારા બતાવાયેલા પ્રત્યેક અભિયાનને લોકો સુધી પહોંચાડવામાં ખૂબ સિદ્ધહસ્ત હતા. સંયોગવશ તે બંને કોઈ કાર્ય માટે દૂરના દેશોમાં ગયેલા હતા. પાછળથી ઋષભે અભિનિષ્ક્રમણ કરીને પ્રવજ્યા ગ્રહણ કરી લીધી હતી.
જ્યારે તે બંને પાછા આવ્યા ત્યારે ખબર પડી કે બાબા સઘળું છોડીને જઈ ચૂક્યા હતા. ભરત વગેરેને તેમણે પૂછ્યું, ‘અમારા માટે બાબાએ શું કહ્યું છે ? અમને કયો પ્રદેશ આપ્યો છે ?' ભરતે કહ્યું, ‘બાબાએ કાંઈ જ આપ્યું નથી, પરંતુ હું આપું છું. જેથી તમારી વ્યવસ્થા બરાબર ચાલી શકે.' બંનેએ દૃઢ સ્વરમાં કહ્યું, ‘તમે આપનારા કોણ ? લઈશું તો બાબા પાસેથી જ લઈશું,
તીર્થંકરચરિત્ર - ૩૮