________________
તે વિચારવા લાગ્યો, ‘જુઓ, હું તો વડીલો પ્રત્યે આટલો બધો આદર તથા પ્યાર દાખવતો હતો, પરંતુ આ સૌ મારી સાથે કપટભર્યો વ્યવહાર કરે છે. એ વાત સાચી છે કે આ સંસાર જ એવો છે, કે જ્યાં માત્ર છળકપટ ભરેલાં છે.’ એવા વિચારોમાં તેણે એવો નિર્ણય કરી લીધો કે તેણે સંયમ સ્વીકારીને આત્મકલ્યાણ કરવું. આ નિર્ણય કરતાં જ તે રાજા (કાકા) તથા માતાપિતા પાસે ન જતાં સીધો જ તે પ્રદેશમાં વિચરી રહેલા આર્યસંભૂત પાસે પહોંચ્યો અને ઉલ્લસિત ભાવે ચારિત્ર અંગીકાર કર્યું.
વિશ્વભૂતિના મુનિ બની ગયાના સમાચાર મળતાં જ રાજા વિશ્વનંદી પોતાના પુત્ર વિશાખનંદી તથા સમગ્ર પરિવારને સાથે લઈને આવ્યો અને પોતાના અપરાધ માટે વારંવાર ક્ષમા માગી. તથા મુનિધર્મ છોડીને ઘેર પાછા આવી રાજ્યભાર સંભાળી લેવાનો આગ્રહ કર્યો. મુનિ વિશ્વભૂતિ એવા પ્રલોભનમાં ફસાયા નહિ. પોતાના ગુરુની સેવામાં રહીને જપ-તપ દ્વારા આત્માને ભાવિત કરવા લાગ્યો. નિરંતર લાંબી લાંબી તપસ્યાઓને કારણે તેમનું શરી૨ કૃશ થઈ ગયું. હવે તે ગુરુઆજ્ઞા મેળવીને એકાકી વિહાર પણ કરવા લાગ્યો.
ઉગ્ર તપસ્વી મુનિ વિશ્વભૂતિ માસ ક્ષમણની તપસ્યાનાં પારણાં કરવા માટે મથુરા નગરીમાં પધાર્યા. તે સમયે વિશાખનંદી પણ પોતાના સાસરે મથુરામાં આવેલો હતો. કૃશકાય મુનિને દૂરથી જ તેના માણસોએ ઓળખી લીધો. ત્યાર બાદ વિશાખનંદીએ તેને ઓળખી લીધો. વિશ્વભૂતિને જોતાં જ વિશાખનંદી ક્રોધિત થઈ ગયો. તે સમયે માર્ગ ઉપરથી પસાર થઈ રહેલી ગાયની ટક્કર વાગતાં મુનિ નીચે પડી ગયા. તે જોઈને વિશાખનંદીએ અટ્ટહાસ્ય કર્યું અને આનંદ વ્યક્ત કરતાં વ્યંગમાં બોલ્યો, ‘મુષ્ટિ પ્રહાર વડે ફળ નીચે પાડનારું બળ હવે ક્યાં ગયું ?' આમ સાંભળતાં જ મુનિની દ્રષ્ટિ તેના પર પડી અને તેને ઓળખી લીધો. મુનિ પણ ક્ષમાધર્મથી વિચલિત થઈ ગયા અને આવેશમાં આવીને બોલ્યા, ‘હજી પણ હું પહેલાંની જેમ જ બળવાન છું. તપસ્યાને કારણે કૃશ ભલે થયો હોઉં, પરંતુ હું દુર્બળ નથી.' પોતાના બળ તથા શક્તિનું પ્રદર્શન ક૨વા માટે મુનિએ તે જ ગાયનાં બંને શિંગડાં મજબૂત રીતે પકડીને તેને ઊંચકીને આકાશમાં ફંગોળી તથા એટલા જ આવેશમાં મુનિને કહ્યું કે જો મારી આજ સુધીની તપસ્યાનું કોઈ ફળ મળવાનું હોય તો મને એવું પ્રબળ બળ પ્રાપ્ત થાવ કે વિશાખનંદીને હું મારી શકું.’ આ વાતનું તેણે પ્રાયશ્ચિત્ત કર્યું નહિ. તેનું આયુષ્ય કરોડ વર્ષનું હતું.
સતરમો ભવ- સ્વર્ગ
મહાશુક્ર (સાતમા) દેવલોકમાં દેવ બન્યા.
તીર્થંકરચરિત્ર ૧૮૪