________________
વગેરેનો લેપ કરીશ.’
‘શ્રમણ નિર્મોહી હોવાથી છત્ર રાખતા નથી પરંતુ હું મોહ-મમતાથી યુક્ત છું, તેથી છત્ર ધારણ કરીશ અને ઉપાનદ્ (ચંપલ) વગેરે પણ પહેરીશ.’ ‘શ્રમણ નિરંબર અને શુક્લાંબર હોય છે. જે સ્થવિરકલ્પી છે તે નિર્મળ મનોવૃત્તિનાં પ્રતીક શ્વેત વસ્ત્રો ધારણ કરે છે, પરંતુ હું કષાયથી કલુષિત છું તેથી હું કષાયવસ્ત્ર ગેરુઆ વસ્ત્ર ધારણ કરીશ.’
‘પાપભીરુ શ્રમણ જીવાકુલ સમજીને સચિત્ત જળ વગેરેનો આરંભ કરતા નથી, પરંતુ હું પરિમિત જળનો સ્નાન-પાનાદિમાં ઉપયોગ કરીશ.’
આમ આ પ્રકારના વેષ ધારણ કરીને મરીચિ ભગવાનની સાથે વિચરણ કરવા લાગ્યા. મરીચિ પોતાની પાસે આવનારાં લોકોને ભગવાનનો માર્ગ બતાવતા અને ભગવાનની પાસે શિષ્ય બનવા માટે મોકલતા.
એક વખત ચક્રવર્તી ભરતે ભગવાનને પ્રશ્ન પૂછ્યો, ‘ભંતે ! આપની સભામાં એવો કોઈ જીવ છે કે જે આ અવસર્પિણી કાળમાં આપ સમાન તીર્થંકર બનવાનો હોય ?'
ભગવાને કહ્યું, ‘ભરત ! આ સભામાં તો એવો કોઈ જીવ નથી. સમવસરણની બહાર તમારો પુત્ર મરીચિ છે જે આ જ ભરતક્ષેત્રમાં અંતિમ તીર્થંકર બનશે. સાથોસાથ આ જ ભરતક્ષેત્રમાં ત્રિપૃષ્ઠ નામે પ્રથમ વાસુદેવ બનશે, મહાવિદેહ ક્ષેત્રની મૂકા નગરીમાં પ્રિયમિત્ર નામનો ચક્રવર્તી બનશે.’
ભરતજી જતી વખતે મરીચિ પાસે રોકાયા અને ઉપરોક્ત સંવાદ કહી સંભળાવ્યો. ભરતજીની વાત સાંભળીને મરીચિ અત્યંત પ્રસન્ન થયા અને બોલવા લાગ્યા :
આઘોહં વાસુદેવાનાં, પિતા મે ચક્રવર્તિનામ્। પિતામહો જિનેન્દ્રાણામ્, મમાહો ઉત્તમં કુલમ્ ॥
મારુ કુળ કેવું ઊંચું છે. મારા પિતા પ્રથમ ચક્રવર્તી છે, મારા દાદા પહેલા તીર્થંકર છે. હું પણ તીર્થંકર તેમજ પ્રથમ વાસુદેવ બનીશ અને ચક્રવર્તી પણ બનીશ. અહો ! મારું કુળ કેવું ઉત્તમ છે. કેવી ઋદ્ધિ, કેવી સમૃદ્ધિ ! આ રીતે ત્રિદંડને ઉછાળતા ઉછાળતા તેઓ નાચવા લાગ્યા. આવા કુળમદને કારણે મરીચિનો નીચ ગોત્રનો બંધ થઈ ગયો.
એક દિવસ મરીચિ બીમાર પડ્યા. કોઈએ તેમની સેવા કરી નહિ. તે કષ્ટમાં મરીચિએ નિર્ણય કર્યો કે તે પોતાનો શિષ્ય બનાવશે. મરીચિ સ્વસ્થ બન્યા. તેમણે લોકોને પૂર્વવત ઉપદેશ આપવાનું ચાલુ રાખ્યું. પોતાનો કોઈ શિષ્ય બનાવ્યો નહિ તેમણે વિચાર્યું, મુનિ બનવું એ મારા શિષ્યત્વ કરતાં
તીર્થંકરચરિત્ર I ૧૮૦