________________
નીચે ઊતર્યા. તેમણે મુનિને વંદના કરી અને ભિક્ષા માટે વિનંતી કરી. મુનિ ગયા. કેસરિયા મોદક થાળ ભરીને પડેલા હતા. મુનિએ ગવેષણા કરી, મોદક માટે. મનમાં વિચાર્યું, આજે અંતરાય કર્મ તૂટ્યું છે. છ મહિના પછી મને મારી પોતાની લબ્ધિનો આહાર મળ્યો છે. આજે પારણાં થશે.”
ભગવાન પાસે પહોંચીને મુનિએ મોદક બતાવ્યા. પારણાંની આજ્ઞા માંગી. પ્રભુએ ગંભીર સ્વરે કહ્યું, “ઢંઢણ ! તમને પારણાં કરવાનું કલ્પતું નથી. આ આહાર તમારી લબ્ધિનો નથી, કૃષ્ણની લબ્ધિનો છે. કૃષ્ણજીએ
જ્યારે તમને રાજમાર્ગ ઉપર વંદના કરી એ વખતે શ્રેષ્ઠીએ એ દષ્ય જોયું હતું. કૃષ્ણ મહારાજ પ્રસન્ન થશે એવી ભાવનાથી તેણે મોદકનું દાન આપ્યું છે, તમારાથી આકર્ષિત થઈને અથવા શુદ્ધ દાનભાવનાથી તેણે દાન આપ્યું નથી.” .
ભગવાનનાં વચન સાંભળીને ઢંઢણે પ્રાર્થના કરી, “હે પ્રભુ! મને આજ્ઞા આપો, આ મોદકોને પરઠવી દઉં? તે મારી લબ્ધિના ન હોવાને કારણે મારા માટે અખાદ્ય છે, વળી હું અભિગ્રહી હોવાને કારણે આ મોદક બીજાઓને પણ આપી શકતો નથી.” ભગવાને આજ્ઞા આપી. ઢંઢણ જંગલ તરફ જવા નીકળ્યા. જંગલમાં અચિત્ત સ્થળ જોઈને મોદકનો ભુક્કો કરીને તેને માટી સાથે ભેળવવા લાગ્યા. છ મહિનાથી પોતે ભૂખ્યા હોવા છતાં તેમની ભાવનામાં કોઈ પરિવર્તન આવ્યું નહિ. પ્રત્યુત ભાવોની ઊર્ધ્વગતિ અધિક તીવ્ર થવા લાગી. એક તરફ મોદકનો ભુક્કો થઈ રહ્યો હતો તો બીજી તરફ તેમનાં કર્મો ક્ષીણ થઈ રહ્યાં હતાં. થોડાક જ સમયમાં ક્ષપક શ્રેણી લઈને તેમણે કેવલત્વ પ્રાપ્ત કર્યું. દેવોએ કેવલમહોત્સવ ઉજવ્યો. હવે ઢંઢણ મુનિ અંતરાય રહિત બન્યા હતા. છ મહિના પછી સર્વજ્ઞ બનીને તેમણે પારણા કર્યા. દ્વારિકા-દહનની ઘોષણા
ભગવાન નેમિનાથે પોતાના સર્વજ્ઞકાળમાં અનેક જનપદોની યાત્રા કરી, પરંતુ સર્વાધિક લાભ દ્વારિકાને જ મળ્યો. અનેક વખત તેઓ ત્યાં પધાર્યા. વારંવાર પ્રવાસ પણ કર્યો. એક વખત પ્રભુ દ્વારિકા પધાર્યા ત્યારે વાસુદેવ કૃષ્ણ સહિત રાજપરિવારના લોકો તથા દ્વારિકાના નાગરિકો રેવતગિરિ પર્વત ઉપર સમવસરણમાં ઉપસ્થિત થયા. ભગવાને પ્રવચન આપ્યું. અનિત્યભાવનાનું વિશેષ વિશ્લેષણ કર્યું.
પ્રવચન પછી વાસુદેવ કૃષ્ણ પૂછ્યું, “ભંતે ! દરેક વસ્તુ અનિત્ય છે, ઉત્પત્તિ પછી તેનો વિનાશ અનિવાર્ય છે તો અમને કહો કે સાક્ષાત્ સ્વર્ગપુરી સમાન આ દ્વારિકાનો વિનાશ ક્યારે થશે ?” ભગવાને કહ્યું, “આજથી બાર વર્ષ પછી દીપાયન ઋષિના ગુસ્સે થવાને કારણે દ્વારિકાનું દહન થશે.”
ભગવાન શ્રી અરિષ્ટનેમિ ૧૫૯