________________
વિવાહ અને રાજ્ય
સંચિત તેમજ નિકાચિત કર્મો ભોગવવાં જ પડે છે. તેમને ભોગવ્યા વગર અધ્યાત્મનો માર્ગ મોકળો બનતો નથી. ભલેને પુણ્યની પ્રકૃતિઓ જ હોય, તેમણે પણ કર્મો તો ભોગવવાં જ પડે છે.
શાંતિકુમાર તીર્થંકર બનશે, પરંતુ તેમને બીજું પણ કંઈક બનવાનું હતું. પુણ્ય પ્રકૃતિઓ ભોગવવાની હતી. શૈશવકાળ સમાપ્ત થતાં જ રાજા વિશ્વસેને યશોમતિ તથા અન્ય રાજકન્યાઓ સાથે તેમનાં લગ્ન કરી દીધાં. જવાબદારીને યોગ્ય સમજીને યોગ્ય સમયે રાજાએ રાજકુમારનો રાજ્યાભિષેક કર્યો અને પોતે મુનિવ્રત અંગીકાર કર્યું.
| સર્વાર્થસિદ્ધથી ચ્યવન પામીને દઢરથનો જીવ મહારાજ શાંતિની પટરાણી યશોમતિના ગર્ભમાં આવ્યો. એ જ સમયે તેણે સ્વપ્નમાં સૂર્યસમાન તેજસ્વી ચક્રને આકાશમાંથી ઊતરીને મુખમાં પ્રવેશ કરતું જોયું. રાણી એકાએક ઊઠી, અત્યંત રોમાંચિત બની. તેણે પોતાના પતિ મહારાજ શાંતિને જગાડીને પોતાનાં સ્વપ્નો વિશે વાત કરી. મહારાજ શાંતિએ કહ્યું, “દેવી ! મારા પૂર્વભવનો ભાઈ દઢરથ તમારા ગર્ભમાં આવ્યો છે.” બાળકનો જન્મ થયો. તેનું નામ ચક્રાયુધ રાખવામાં આવ્યુ. પવન વયમાં ચક્રાયુધનાં અનેક રાજકન્યાઓ સાથે લગ્ન કરવામાં આવ્યાં.
કેટલાક સમય પછી શાંતિનાથની આયુધશાળામાં ચક્રરત્ન ઉત્પન્ન થયું. ચક્રની સહાયતા વડે આઠસો વર્ષોમાં છ ખંડ જીતીને શાંતિ ચક્રવર્તી સમ્રાટ બન્યા. દીક્ષા
ભોગાવલિ કર્મોનો અંત નજીક નિહાળીને તેમણે પોતાના રાજ્યની સુવ્યવસ્થા કરી અને વર્ષીદાન દીધું. નિશ્ચિત તિથિ વૈશાખ વદ ચૌદસના દિવસે સહસ્રાઝ ઉદ્યાનમાં એક હજાર દીક્ષાર્થી પુરુષો સહિત તેમણે દીક્ષા લીધી. ભગવાનને તે દિવસે છઠ્ઠનું તપ હતું. બીજા દિવસે મંદિરપુર નગરના રાજા સુમિત્રના રાજમહેલમાં પરમાન (ખીર) વડે તેમણે પારણું કર્યું. દેવોએ ઉત્સવ ઉજવ્યો અને સૌને દાનનું મહત્ત્વ સમજાવ્યું.
ભગવાન એક વર્ષ સુધી છદ્મસ્થ કાળમાં સાધના કરતા રહ્યા. અભિગ્રહયુક્ત તપ તેમજ આસનયુક્ત ધ્યાન વડે વિશેષ કર્મનિર્જરા કરીને પુનઃ એક વર્ષ પછી એ જ સહસ્રાગ્ર વનમાં પધાર્યા. ત્યાં શુક્લધ્યાનમાં લીન થઈને તેમણે ક્ષપક શ્રેણી પ્રાપ્ત કરી. ઘાતિક કર્મો ક્ષીણ કર્યા અને સર્વજ્ઞતા પ્રાપ્ત કરી.
ભગવાન શ્રી ઘર્મનાથ ૧૧૭