________________
કેવળજ્ઞાન
બે વર્ષ સુધી ભગવાન ધર્મનાથ અભિગ્રહયુક્ત તપ કરતા રહ્યા. ધ્યાનની વિવિધ પ્રક્રિયાઓના માધ્યમથી કર્મનિર્જરા કરતાં કરતાં પુનઃ દીક્ષા સ્થળે પધાર્યા. શતપર્ણ વૃક્ષની નીચે ધ્યાનસ્થ થઈને ક્ષપક-શ્રેણી સુધી પહોંચ્યા. ભાવોની પ્રબળતા વડે ઘાતિક કર્મોનો ક્ષય કરીને પ્રભુએ સર્વજ્ઞતા પ્રાપ્ત કરી. દેવોએ ઉત્સવ ઉજવીને પોતાના ઉલ્લાસને પ્રગટ કર્યો તથા સમવસરણની રચના કરી. હજારો લોકોની ઉપસ્થિતિમાં પ્રભુએ પ્રથમ પ્રવચન આપ્યું. લૌકિક અને લોકોત્તર માર્ગને અલગ-અલગ સમજાવીને લોકોત્તર પથ ઉપ૨ ચાલવાની પ્રેરણા આપી. અનેક વ્યક્તિઓએ તેમની પાસે ધર્મની ઉપાસનાના નિયમો ગ્રહણ કર્યાં.
તેજસ્વી ધર્મસંઘ
ભગવાન ધર્મનાથના ધર્મ શાસનમાં અનેક શક્તિશાળી રાજનાયકોએ લોકસત્તા છોડીને પ્રભુ દ્વારા નિરુપિત આત્મ-ઉપાસનાનો માર્ગ ગ્રહણ કર્યો. ધર્મસંઘની આંતરિક તેજસ્વિતા સાધકોની પ્રબળ સાધના વડે સ્ફૂરિત હતી. બાહ્ય તેજસ્વિતા તત્કાલીન યુગનેતા તેમજ સત્તાધીશોના ધર્મ પ્રત્યેના અભિગમથી પરિલક્ષિત થાય છે. જ્યાં સમુદાય છે ત્યાં બંને પ્રકારની તેજસ્વિતા અપેક્ષિત છે. પ્રારંભિક સાધનાકાળમાં નિર્વિઘ્નતા રહે તે માટે બાહ્ય તેજસ્વિતા પણ આવશ્યક છે. ઇતિહાસ સાક્ષી છે કે જ્યારે જ્યારે ધર્મશાસન બાહ્ય તેજસ્વિતા વડે હીન બન્યું ત્યારે ત્યારે ધર્મ સમુદાય ઉપર સંકટો આવ્યાં અને ધર્મ છિન્નભિન્ન થઈ ગયો.
ભગવાન ધર્મનાથના શાસનકાળમાં આંતરિક તેજસ્વિતા સાથે બાહ્ય વર્ચસ્વ પણ પર્યાપ્તરૂપે વૃદ્ધિ પામ્યું હતું. પ્રત્યેક ક્ષેત્રના લોકો ધર્મ પ્રત્યે
આસ્થાવાન બન્યા હતા.
ચાર શલાકાપુરુષ
સમગ્ર અવસર્પિણી કાળમાં ત્રેસઠ મહાપુરુષ હોય છે, તેમને શલાકા-પુરુષ કહેવામાં આવે છે. ત્રેસઠમાં એક તો ધર્મનાથ પ્રભુ પોતે હતા. તે ઉપરાંત અન્ય ચાર શલાકા-પુરુષ તેમના શાસનકાળમાં થઈ ગયા.
ભગવાન દ્વારા સર્વજ્ઞતાપ્રાપ્તિની પૂર્વે પ્રતિવાસુદેવ નિકુંભને મારીને વાસુદેવ પુરુષસિંહ અને તેમના મોટા ભાઈ બલદેવ સુદર્શન ક્રમશઃ પાંચમા વાસુદેવ અને બલદેવ તરીકે પૃથ્વીના ઉપભોક્તા બની ગયા હતા. ભગવાન સર્વજ્ઞ થયા પછી જ્યારે અશ્વપુર પધાર્યા ત્યારે બંને ભાઈઓએ પ્રભુનાં દર્શન કર્યા તથા પ્રવચન સાંભળીને ભગવાનના પરમ ભક્ત બની ગયા. વાસુદેવના મૃત્યુ પછી બલદેવ સુદર્શને ભગવાન પાસે સંયમ લઈને મોક્ષપ્રાપ્તિ કરી.
ભગવાન શ્રી ધર્મનાથ D ૧૦૯