________________
પ૭
તરંગલોલા
આવશે; માટે રાત્રે સૌ લોકોના સૂઈ ગયા પછી હું જે કરી શકીશ તે કરીશ.'
એ પ્રમાણે મનથી પાકું કરીને હું આકારનું સંવરણ કરીને રહ્યો. જીવવા બાબત હું નિઃસ્પૃહ બન્યો હતો, મરવા માટે સંનદ્ધ થયો હતો. પિતાજીના પરિભાવ અને અપમાનથી મારું વીરોચિત અભિમાન પણ ઘવાયું હતું ; અને વડીલ પ્રત્યેનો આદર અને ભક્તિને કારણે હવે મારો ધર્મ શું છે તે હું સમજી ગયો હતો.
તેવામાં તું આ આવાસમાં પ્રિયતમાના વચનોનો – હૃદયને ઉત્સવ સમા અને મારા જીવતર માટે મહામૂલા અમૃત સમાં વચનોનો – ઉપહાર લઈને આવી પહોંચી. તરંગવતીનાં કરુણ વચનો સાંભળીને, મારું ચિત્ત શોક અને વિષાદથી ભરાઈ આવ્યું છે અને આંખો આંસુથી છલકાઈ ગઈ છે, જેથી કરીને હું તેનો પત્ર બરાબર વાંચી પણ શકતો નથી.
પણ તું મારાં આ વચનો તેને કહેજે : “મને તે તારા અનુમરણથી ખરીદી લીધેલો હોઈને હું સાચે જ તારાં ચરણો પાસે દાસ બનીને વાસ કરીશ. તારો ચિત્રપટ્ટ જોઈને મને પૂર્વજન્મના સંમાનનું સ્મરણ થયું છે ; મારાં પુણ્ય ઓછાં પડ્યાં, જેથી કરીને મને તારી પ્રાપ્તિ નથી થઈ. આથી મારું ચિત્ત વિષણ બન્યું છે. તારી વાત સાંભળતાં સાંભળતાં, નિરંતર સ્નેહવૃત્તિવાળો હું પ્રીતિના રોમાંચે કદંબપુષ્પની જેમ કંટકિત થઈ ઊઠ્યો.” ચેટીનું પ્રત્યાગમન
એ પ્રમાણે તારી સાથેના સુરતના મનોરથની વાતોથી મને ક્યાંય સુધી રોકી રાખીને, કામબાણથી જર્જરિત શરીરવાળા પદ્મદેવે અનિચ્છાએ મને વિદાય કરી.
વિદાય લઈને હું તે અનુપમ પ્રાસાદમાંથી નીસરીને, સ્વર્ગમાંથી ભ્રંશ પામી હોઉં તેમ, જે માર્ગે ગઈ હતી તે માર્ગે થઈને અહીં પાછી આવી. તેના ભવનની જેવાં સમૃદ્ધિ, વિલાસ અને વિશાળતા, શ્રેષ્ઠીના ભવનને બાદ કરતાં, બીજા કોઈનાં પણ નહીં હોય. અત્યારે પણ હું તેના ભવનની સમૃદ્ધિ, વિલાસ ને પરિજનોની વિશેષતા તેમ જ તેનું અનન્ય, અપ્રતિમ રૂપ જાણે કે પ્રત્યક્ષ નિહાળી રહી છું. અને સ્વામિની, તેણે સમસ્ત ગુણયુક્ત, પ્રેમગુણનો પ્રવર્તક,