________________
૪૭
તરંગલોલા
તે બોલ્યો “લો, સાંભળો અને મારી એ ગુપ્ત વાત મનમાં રાખજો. આ ચિત્રપટ્ટમાં જે ચક્રવાકનો પ્રેમવૃત્તાંત આલેખેલો છે તે બધુંયે મેં જ મારા ચક્રવાક તરીકેના પૂર્વજન્મમાં અનુભવ્યું છે.'
તેં આ કઈ રીતે અનુભવ્યું છે? ' એ પ્રમાણે તે તારા પ્રિયતમના મિત્રોએ પૂછયું, એટલે તેણે કહ્યું, “એ પૂર્વજન્મમાં અનુભવ્યાનું મને સ્મરણ થયું છે.' અને વિસ્મિત મુખે સામે બેઠેલા તે મિત્રોને, તે મને જે કહ્યો હતો તે જ પોતાનો અનુભવવૃત્તાંત, રડતાં રડતાં, અને તે જ ગુણોનું વર્ણન કરતાં કરતાં, તેણે કહ્યો.
‘તે વેળા શીકારીના બાણના પ્રહારે હું જ્યારે નિષ્ઠાણ બની ગયો ત્યારે મારી પાછળ પ્રેમને કારણે મૃત્યુને ભેટેલી તે ચક્રવાકીને ચિત્રપટ્ટમાં જોઈને મારા હૃદયરૂપી વનમાં દાવાગ્નિ સમો શોક એકદમ સળગી ઊઠ્યો. એટલે અનુરાગરૂપી વનમાં પ્રગટેલા પ્રિયવિરહના કરુણ દુઃખે મન વ્યથિત થતાં હું કઈ રીતે પડી ગયો તે જાણતો નથી.
આ પ્રમાણે, ચિત્ર જોતાં સાંભરી આવેલું તે બધું ભારે દુઃખ જે રીતે મેં અનુભવેલું તે ટૂંકમાં મેં કહ્યું. મેં હવે પ્રતિજ્ઞા કરી છે કે તેના પ્રત્યેના પ્રેમને કારણે મારે બીજી કોઈ સ્ત્રીની મનથી પણ ઇચ્છા ન કરવી. જો એ સુંદરીની સાથે મારો કોઈ પણ રીતે સમાગમ થશે, તો જ હું માનવજીવનના કામભોગોની અભિલાષા રાખીશ. માટે તમે જાઓ, જઈને પૂછો, આ ચિત્રપટ કોણે આલેખ્યું છે : એની દેખભાળ કરનાર કોઈક અહીં હશે જ.
ચિત્રકારે પોતાના જ અનુભવનું આલેખન કરીને અહીં પ્રદર્શિત કર્યું છે. અનેક એંધાણીઓ પરથી હું જાણું છું કે આ ચિત્ર કલ્પિત નથી. મેં પૂર્વે પક્ષીના ભવમાં તેની સાથે જે અનુભવ્યું હતું, તે તેના વિના બીજું કોઈ આલેખી ન જ શકે.” ચિત્રકારની ઓળખ
એ પ્રમાણે સાંભળીને, હે સુંદરી, હું ચિત્રપટ્ટની પાસે સરકી ગઈ, જેથી તેઓ જો કાંઈ પૂછવા આવે, તો હું તેમને કહું. દીવાને સંકોરવાના કામમાં રોકાયેલી હોઉં તે રીતે હું પૂછગાછ કરવા આવનારનું ધ્યાન રાખતી બેઠી હતી.