________________
તરંગલોલા
ને, કે સરોવરને કાંઠે એ હોવો જોઈએ.” એટલે એ યુવતીસમુદાય અમ્માને અનુસરતો મસૃણ ગતિએ આગળ વધ્યો, અને પેલા સપ્તપર્ણ વૃક્ષને તેણે જોયું.
૧૮
-
હું પણ ધાત્રી અને સારસિકા ચેટીના સંગાથમાં, સેંકડો દર્શનીય, નયનમોહક અને મનમોહક વસ્તુઓમાં લોભાતી, એ સોહામણા ઉઘાનને નિહાળવા લાગી — શરદઋતુએ તેના ગુણસર્વસ્વથી ત્યાં અવતરણ કર્યું હોઈ, તથા અનેકવિધ ઉત્તમ પુષ્પોથી સૌંદર્યસમૃદ્ધ બનેલું હોઈને ઉઘાન સર્વ પ્રેક્ષકોને માટે નયનરમણીય બન્યું હતું. હજારો પંખીઓનો શ્રવણસુખદ કલરવ સાંભળતી હું પુષ્પપરાગથી રંજિત મધુકરી સમી ભ્રમણ કરી રહી.
ત્યાં વર્ષાઋતુ વીતતાં, શરદના આગમને પિચ્છકલાપ ખરી પડ્યો હોવાથી મવિહોણો બની ગયેલો મયૂર, જિતાયેલા જુગારી સમો મારી દૃષ્ટિએ પડ્યો. ત્યાંના કદલીગૃહો, તાડગૃહો, ચિત્રગૃહો, લાવણ્યગૃહો, ધારાગૃહો અને કેલિગૃહો મેં જોયાં. તે ઉદ્યાન સપ્તપર્ણોને લીધે જાણે કે ધૂંધવાતું હતું, અશોકવૃક્ષોથી જાણે કે સળગી રહ્યું હતું, પુષ્પિત બાણવૃક્ષો વડે જાણે કે આગંતુકોને નિહાળી રહ્યું હતું.
સપ્તપર્ણ
એ પછી મેં પેલો સર્વાંગસુંદ૨ સપ્તપર્ણ જોયો ઃ મોટા ભાગનાં પાન ખરી પડેલો, સર્વત્ર છવાઈ ગયેલાં પુષ્પોના ભારે લચતો, પુષ્પગુચ્છોથી શ્વેત શ્વેત બની ગયેલો, અને ગુંજતી મધુકરમાળા વડે સજ્જ જાણે કે નીલોત્પલની માળા ધારણ કરેલ બલદેવ. પવનથી ખરી પડીને નીચેની ભોંયને મંડિત કરતી તેની પેશીઓને દહીંભાત સમજીને કાગડાઓ ચોતરફથી ચાંચ વડે ખોતરતા હતા. મેં પત્રપુટમાં વીંટળાયેલો, મારા પુષ્ટ સ્તન જેવડો, રૂપાના ચત્તા કોશ સમો તેનો એક પુષ્પગુચ્છ ચૂંટ્યો.
ભ્રમરબાધા
એટલામાં તો મધુમત્ત ભ્રમરો, કમળના લોભે, કમળના જેવા જ સુગંધી મારા મુખકમળની પાસે આવી લાગ્યા. મનોહર ઝંકારના મધુર, સુખદ સ્વરને લીધે અનંગશર સમા ભ્રમરો, ગુંજન કરતા, મારા વદન ઉપર, કમળની ભ્રાંતિથી ઊતરી આવ્યા. ભ્રમરીઓનાં ટોળાં સહિત આવીને મારા મુખ પર આશરો લેતા તે ભ્રમરોને હું કોમળ કર વડે વારવા લાગી. એ રીતે હાથ
―