________________
તરંગલોલા
હોવામાં મને કશો સંદેહ નથી.' એ પ્રમાણે મેં કહ્યું એટલે પેલી માલણ બોલી, ‘તમે બરાબર કળી ગયાં.' એટલે મને ભેટી, મારું મસ્તક સૂંઘી પિતાજીએ હર્ષભરેલ હૈયે અને પુલકિત શરીરે કહ્યું : ‘બેટા, તેં મર્મ બરાબર જાણ્યો. મારા મનમાં પણ એ જ પ્રમાણે હતું, પરંતુ તું જે કળા શીખી છે તેની પરીક્ષા કરવા પૂરતું જ મેં તને પૂછ્યું હતું. કૃશોદરી, તને વિનય, રૂપ, લાવણ્ય, શીલ અને ધર્મવિનય એવા ગુણોથી યુક્ત ઉત્તમ વર જલદી
મળજો.'
—
૧૪
ઉજાણીએ જવાનો પ્રસ્તાવ
તે વેળા અમ્માએ પિતાજીને વિનંતી કરી, ‘બેટીએ વર્ણવેલું એ સપ્તપર્ણ વૃક્ષ જોવાનું મને ભારે કુતૂહળ છે.' પિતાજીએ કહ્યું, ‘બહુ સારું. તું સૌ સ્વજનો સાથે તે જોવા જજે, અને ત્યાંના સરોવ૨માં કાલે તારી પુત્રવધૂઓ સાથે સ્નાન પણ કરજે.' પિતાજીએ ત્યાં જ ઘરના મોટેરાઓને અને કારભારીઓને આજ્ઞા દીધી, ‘કાલે ઉદ્યાનમાં સ્નાનભોજન કરવા માટેની તૈયારીઓ કરજો. સુશોભિત વસ્ત્રો અને ગંધમાલ્ય પણ તૈયાર રાખજો મહિલાઓ ત્યાંના સરોવરમાં સ્નાન કરવા જશે.'
―
હે ગૃહસ્વામિની, ધાત્રીઓએ, સખીઓએ તથા મારી બધી ભોજાઈઓએ મને એકદમ અભિનંદનોથી ઘેરી લીધી. પછી ધાત્રીએ મને કહ્યું, ‘બેટા, તારું ભોજન આ તૈયાર છે. તો જમવા બેસી જા. નહીં તો ભોજનવેળા વીતી જશે. બેટા, ભોજનવેળા થતાં જે જમી ન લે તેનો જઠરાગ્નિ બળતણ વિનાના અગ્નિની જેમ બુઝાઈ જાય છે. કહ્યું છે કે જઠરાગ્નિ જો બુઝાઈ જાય તો વર્ણ, રૂપ, સુકુમારતા, કાંતિ અને બળનો નાશ કરે. તો ચાલ બેટા, જમી લે, જેથી કરીને વેળા વીતી જવાથી થતો કોઈ દોષ તને ન લાગે.’
એ પ્રમાણે લાગણીથી તેણે મને કહ્યું. એટલે કહ્યા પ્રમાણે ઉચિત વેળા જાળવીને, મેં વર્ણ, ગંધ, રસ આદિ સર્વગુણસંપન્ન શાલિનું ભોજન કર્યું. કેવી હતી એ શાલિ ? બરાબર ખેડેલી અને દૂધે સીંચેલા ક્યારાઓમાં વાવેલી, ત્રણ વા૨ ઉખેડીને ચોપેલી, યોગ્ય રીતે વૃદ્ધિ પામીને પુષ્ટ થયેલી, લખેલી, મસળેલી, છડેલી, ચંદ્ર અને દૂધ જેવા શ્વેત વાનવાળી, પોચી, ગાઢ સ્નિગ્ધતા વાળી, ગુણ નષ્ટ ન થાય તે રીતે રાંધેલી, વરાળ નીકળે તેવી ફળફળતી,