________________
તરંગલોલા
અનિમિષ દૃષ્ટિથી જોયા કરીશું.” ગૃહિણીએ પણ અભિવાદન કરીને ચેલીઓ સહિત આર્યાને આસન આપ્યું. પેલી સ્ત્રીઓ પણ મનથી રાજી થઈને અને આર્યાને વિનયપૂર્વક વંદીને ગૃહિણીની પાસે ભોંય પર બેસી ગઈ.
એટલે, ફુટ શબ્દ અને અર્થવાળી, સજઝાય કરવાથી લાઘવવાળી, સુભાષિતોને લીધે કાન અને મનને રસાયણરૂપ એવી ઉક્તિઓ વડે આર્યા જિનમાન્ય ધર્મ કહેવા લાગી – એ ધર્મ જરા, રોગ, જન્મ, મરણ અને સંસારનો અંત લાવનાર હતો, સર્વ જગતને સુખાવહ હતો, જ્ઞાન, દર્શન, વિનય, તપ, સંયમ અને પાંચ મહાવ્રતોથી યુક્ત હતો, અપાર સુખનું ફળ આપનાર હતો. આત્મકથા કહેવાની આર્યાને વિનંતી અને તેનો સ્વીકાર
તે પછી તેના રૂપથી વિસ્મિત બનેલી ગૃહિણી, ધર્મકથામાં વચ્ચે પડેલા આંતરાનો લાભ લઈને, સંયમ અને નિયમમાં તત્પર એવી તે આર્યાને હાથ જોડી કહેવા લાગી, ‘વારુ, ધર્મકથા તો અમે સાંભળી. હવે કૃપા કરીને એક બીજી વાત પણ અમને તું કહી સંભળાવ. હે ભગવતી, મારા પર કૃપા કરીને હું જે કહું છું તે તું સાંભળજે.
આજે મારાં નયનો તો તારું રૂપ જોઈને ધન્ય બની ગયાં, પણ મારા કાન તારી જન્મકથા સાંભળવા ઝંખી રહ્યા છે. કયું નામ ધરાવતા પિતાને માટે તું અમીવૃષ્ટિ સમી હતી, અને જેમ કૌસ્તુભમણિ હરિનું, તેમ તું તેનું હૃદય આનંદિત કરતી હતી ? નિર્મળ જ્યોસ્નાની જનની સમી જગવંદ્ય તારી જનનીના કયા નામાક્ષર હતા ? આર્યા, તમે પોતાને ઘરે તેમ જ પતિને ઘરે કેવું સુખ ભોગવ્યું? અથવા તો શા દુઃખે આ અતિ દુષ્કર પ્રવ્રજ્યા લીધી? – આ બધું હું ક્રમશઃ જાણવા ઇચ્છું છું. પણ આમાં તને અગમ્યમાં ગમન કરવાનો દોષ રખે લાગે. લોકોમાં કહેવત છે કે નારીરત્નનું, નદીનું તેમ જ સાધુનું મૂળ ન શોધવું. વળી ધાર્મિક જનનો પરિભવ કરવો ઉચિત નથી એ પણ હું જાણું છું. અને તે છતાં પણ તારા રૂપથી ચકિત થઈને કુતૂહલથી હું તને પૂછું છું.”
શેઠાણીએ એમ કહ્યું એટલે તે આર્યા બોલી, “ગૃહિણી, એ બધું કહેવું દુષ્કર હોય છે : એ અનર્થદંડનું સેવન કરવું અમારે માટે ઉચિત નથી.