________________
તરંગલોલા
ત્યાં તે આર્યાની સાથે હું વિહરવાયોગ્ય અનેક અચિત્ત પ્રદેશોવાળા અને સ્ત્રીઓને હરફર કરવા માટે અનુકૂળ એવા કોઠાગારમાં અનાસક્તપણે ગઈ.
૧૨૭
તે વેળા તેજોમંડળ વિલાતાં સુવર્ણના ગોળા સમો બનેલો, ગગતિલક સૂર્ય પશ્ચિમ સંધ્યાએ પહોંચ્યો. તે સ્થળે ગણિનીની સાથે મેં આલોચન, પ્રતિક્રમણ અને દુષ્કર્મનિંદા કર્યાં ; ધર્માનુરાગથી રંગાયેલી હોઈને મને રાત્રી ક્યારે વીતી ગઈ તેની ખબર પણ ન પડી.
બીજે દીવસે તે શ્રમણશ્રેષ્ઠની સાથે સાર્થવાહપુત્ર ધરતી પર અસ્થિર રહેઠાણમાં વાસ કરતો ત્યાંથી વિહાર કરી ગયો.
હે ગૃહસ્વામિની ! તે ગણિનીની પાસેથી મેં બંને પ્રકારનું શિક્ષણ લીધું. તપશ્ચર્યા અને અનુષ્ઠાનમાં નિરત બનીને હું વૈરાગ્યભાવ પામી. વિહારવિધિ પ્રમાણે વિહાર કરતાં અમે અહીં આવી પહોંચ્યા, અને આજે છઠનું પારણું કરવા હું ભિક્ષાએ નીકળી.
વૃત્તાંતની સમાપ્તિ : શ્રોતાઓનો વૈરાગ્યભાવ
તમે મને પૂછયું એટલે આ પ્રમાણે જે કાંઈ સુખદુઃખની પરંપરા મેં આ લોક અને પરલોકમાં અનુભવી તે બધી કહી બતાવી.
એ પ્રમાણે તે તરંગવતી શ્રમણીએ પોતાનું વૃત્તાંત કહ્યું એટલે તે ગૃહસ્વામિની વિચારવા લાગી, ‘અહો, કેવું કઠિન કાર્ય આણે કર્યું ! આવી તરુણ વયમાં, એવું દેહસુખ અને એવો વૈભવ હોવા છતાં આવું દુષ્કર તપ કરી રહી છે !'
પછી તે શેઠાણીએ કહ્યું, ‘હે ભગવતી ! તમે પોતાનું ચિરત કહીને અમારા પર ભારે અનુગ્રહ કર્યો. તમને કષ્ટ આપ્યા બદલ ક્ષમા કરો.' એ પ્રમાણે કહીને દુસ્તર ભવસાગરથી ભયભીત બનેલી તે તેનાં ચરણોમાં પડીને બોલી, ‘વિષયપંકમાં અમે ખૂંતેલાં હોઈને અમારું શું થશે ? હે આર્યા ! એક તો અમે મોહથી ઘેરાયેલાં છીએ, તો બીજી બાજું, તમારી ચર્યા અત્યંત દુષ્કર છે. તો પણ અમને એવો કાંઈક ઉપદેશ આપો, જેથી અમારું સંસારભ્રમણ અટકે.'