________________
૧૧૩
તરંગલોલા
આજ્ઞા જણાવી કે આ બંનેનું નોમને દિવસે કાત્યાયનીના યાગમાં મહાપશુ તરીકે બલિદાન આપવાનું છે. તેમને કબજામાં રાખવા તેણે મને સોંપ્યાં. આંસુનીંગળતી આંખવાળાં અને મરણભયે નિશ્રેષ્ટ બની ગયેલાં તે બંનેને હું મારા વાસમાં લઈ આવ્યો.
તે તરુણને બંધનમાં બાંધી સહીસલામત પડાળીમાં રાખીને ચોકી કરતો હું પલ્લીમાં સુરાપાન કરવા લાગ્યો. તે વેળા પેલી સુંદર તરુણી, પોતાના પતિ પ્રત્યેના પ્રેમને લીધે શોક પ્રગટ કરતી, અનેક વિલાપવચનો ઉચ્ચારતી, સાંભળનારના ચિત્તને કંપાવતું કરુણ રુદન કરવા લાગી. તેના રુદનના અવાજથી ત્યાં બંદિનીઓ આવી લાગી. તેઓ તેને જોઈને શોક કરતી કૃતાંતને શાપ દેવા લાગી. તે વેળા તે બંદિનીઓને કુતૂહળ થતાં તેમણે તે તરુણીને પૂછ્યું, “તમે ક્યાંથી આવ્યાં? ક્યાં જવાનાં હતાં ? ચોરોએ તમને કેમ કરતાં પકડ્યાં ?” એટલે હાથ પર માથું ટેકવીને તે બોલી, “અમે અત્યારે જે જે દુઃખ પામ્યાં તેના મૂળરૂપ જે બીના છે તે બધી તમને હું માંડીને કહું છું તે સાંભળો : તરુણીની આત્મકથા
ચંપા નામની ઉત્તમ નગરીની પશ્ચિમે આવેલા વનના અંદરના ભાગમાં હું ગંગાપ્રરોચના નામે ચક્રવાકી હતી. ત્યાં સુરતરથનો સારથિ આ મારો તરુણ તે નદીના પુલિન પર વસતો ગંગાતરંગતિલક નામનો ચક્રવાક હતો.
હવે એક વાર જંગલી હાથીને હણવા માટે વ્યાધે પોતાના ધનુષ્યમાંથી છોડેલા બાણથી તે ચક્રવાક વીંધાઈ ગયો. પશ્ચાત્તાપ થવાથી તે વ્યાધે કાંઠા પર તેના શરીરને અગ્નિદાહ દીધો. પતિના માર્ગને અનુસરતી એવી મેં પણ તે અગ્નિમાં પ્રવેશ કર્યો.
એમ બળી મરીને હું યમુનાનદીને કાંઠે આવેલી કૌશાંબી નામે ઉત્તમ નગરીમાં શ્રેષ્ઠીકુળમાં જન્મી. આ મારો પ્રિયતમ પણ તે જ નગરીમાં ત્રણ સમુદ્ર પર જેની ખ્યાતિ ફ્લાયેલી છે તેવા મહાન સાર્થવાહકુળમાં મારી પહેલાં જન્મ્યો હતો.
ચિત્રપટ દ્વારા અમે ફરી એકબીજાને ઓળખ્યાં ; તેણે મારા પિતા પાસે