________________
૧૦૧
તરંગલોલા
ઉપવનમાં તરુલતારૂપી વનિતાનો પુષ્યનો શણગાર, ચંદ્રકિરણનો પણ પરાભવ કરતું અતિમુક્ત લતાનું પુષ્પ વગેરે મને સુંદર અને મિષ્ટ વચનો કહેતાં બતાવતા, મારા પ્રિયતમે મારા કેશમાં જાતજાતનાં સુગંધી કુસુમો ગૂંથ્યાં.
ત્યાં વિહાર કરતાં અમે એ પ્રમાણે વૃક્ષોનાં વિવિધ રૂપરંગ અને આકારપ્રકાર પ્રીતિસભર અને મુદિત મને નિહાળતાં હતાં. શ્રમણનાં દર્શન
તે વેળા ત્યાં અમે અશોક વૃક્ષ નીચે, શુદ્ધ શિલાપટ્ટ ઉપર, શોકમુક્ત અને નિર્મળ ચિત્તે બેઠેલા એક પવિત્ર શ્રમણને જોયા.
કેશકલાપ પરનાં કુસુમો અને પગની પાદુકાઓ કાઢી નાખીને મેં તે વેળા મુખ પરનું ચૂર્ણ, પત્રલતા અને તિલક ભૂંસી કાઢયાં. - પ્રિયતમે પણ એ જ પ્રમાણે પાદુકા કાઢી નાખીને પુષ્પો દૂર કર્યા. કારણ કે ગુરુની પાસે ભપકાદાર વેશે જવું યોગ્ય નથી.
તે પછી વિનયથી શરીર નમાવીને, સંયમપૂર્વક, ત્વરા સાથે છતાં આકુળ બન્યા વિના અમે અસંખ્ય રત્નોના નિધિસમાં તેનાં દર્શન કરીને પરિતોષ અનુભવ્યો. વંદના
તે પછી માયા, મદ અને મોહરહિત, નિઃસંગ, ધર્મગુણના નિધિમા, ધ્યાનોપયોગથી જેણે કાયા અને વચનની પ્રવૃત્તિનો પ્રતિષેધ કર્યો છે તેવા તે શ્રમણની અમે નિકટ ગયાં, અને મસ્તક ઉપર અમારા કરકમળની અંજલી રચીને અમે સવિનય, પરમ ભક્તિપૂર્વક, ક્ષણ પૂરતું સંયમની પાળરૂપ, સામાયિક કરવા લાગ્યાં.
વળી ઉગ્ર ઉપસર્ગ સહી શકે તેવો, સમગ્ર ગુણવાળો, સંપૂર્ણ કાયોત્સર્ગ અવ્યગ્ર ચિત્તે અમે બંને જણે કર્યો. પછી તેમને સર્વ આવશ્યક વડે શુદ્ધ, કર્મવિનાશક, વિનયયુક્ત એવી ત્રિવિધ વંદના અમે નીચા ઝૂકીને કરી.
આ પ્રમાણે વિશેષે કરીને નીચ ગોત્રની નિવારક વંદના કરીને અમે તેમને તેમની તપસ્યામાં પ્રાશુક વિહાર પ્રાપ્ત થતો હોવા પરત્વે પૃચ્છા કરી.