________________
૯૯
તરંગલોલા અને પોતાના પૂર્વજન્મના પતિની પાછળ તે ગઈ, તો તેમાં તેનો કશો મોટો વાંક થયો નથી.
તો મારી બચ્ચીને તમે પાછી લઈ આવો. એ કુમાળી, પાતળી, નિર્મળ હૃદયની, અનેકની વહાલી મારી દીકરીને જોયા વિના હું એક પળ પણ જીવી નહીં શકું.”
એ પ્રમાણે અત્યંત કરુણ વચનો કહેતી, પગે પડતી શેઠાણીએ શેઠની અનિરછા છતાં તેને મનાવીને “સારું” એમ કહેવરાવ્યું. તરંગવતીની શોધ અને પ્રત્યાયન
શેઠાણીના અનુરોધથી શેઠે કહ્યું, “તું ધીરજ ધર, હું તારી દીકરીને લાવી આપું છું. સાર્થવાહને ઘેર તેના કશા સમાચાર હોય તો હું મેળવું છું.”
“તું શા માટે તેને બહાર લઈ ગઈ?” એ પ્રમાણે ઘરના બધા માણસોએ મને પાઠ શીખવવા રોષપૂર્વક વાગ્માણથી વીંધી.
આપણા જે માણસો તારી શોધમાં ગયા હતા, તેઓ સૌ તું પાછી આવી રહી છો એવા સમાચારે, હે સુંદરી, આનંદિત થઈને પાછા ફર્યા.”
એ પ્રમાણે, હે ગૃહસ્વામિની, સારસિકાને પૂછતાં તેણે જે રીતે બધું બન્યું હતું તે મને વિસ્તારપૂર્વક કહી બતાવ્યું. મેં પણ આર્યપુત્રની સલાહથી, ગુપ્તતા જાળવવાના હેતુથી, તેની વાટ જોયા વિના ઉતાવળે નાસી જવાનો નિર્ણય કેમ લીધેલો એનો ખુલાસો તેની પાસે કર્યો. દંપતીનો આનંદવિનોદ
પછી કેટલાક દિવસ વીતતાં, સસરાજીએ મારા પ્રિયતમને, વિદગ્ધ આચાર્યોની દેખરેખ નીચે પુરુષપાત્ર વિનાનું નાટક તૈયાર કરાવીને આપ્યું.
અમે અમારા સ્નેહીઓ, બાંધવો, પૂજ્યો અને મિત્રોના સમૂહથી વીંટળાયેલાં, ઉત્તમ મહાલયમાં વસતાં, કમળસરોવરમાં ચક્રવાકો સમાં ક્રીડા કરતાં હતાં.
પ્રેમકેલીના પ્રસંગોથી પુષ્ટ બનેલા ઉત્કટ અનુરાગથી અમારાં હૃદય બંધાયેલાં હોઈને અમે એકબીજાને એકાદ ઘડી માટે પણ છોડી શકતાં ન હતાં.