________________
૯૩
તરંગલોલા
અમે પ્રવેશ કર્યો.
નિકટવર્તી સ્નેહીઓ, સ્વજનો, આદરણીયો અને મિત્રોના વૃંદથી વિશ્વસ્ત બનેલાં એવાં અમને બંનેને સેંકડો માંગલિક વિધિઓ સાથે કુલ્માષવડ નીચે સ્નાન કરાવ્યું. સ્નાન કરીને પ્રસાધન અને ઉચિત આભરણથી સજ્જ બનેલાં અમને બંનેને પ્રસન્ન સ્વજનોના વૃંદ વચ્ચે શ્વશુરઘર અને પિયરઘર તરફ લઈ જવામાં આવ્યાં.
નગરપ્રવેશ
હું પણ ઉત્તમ વાહનમાં ચડીને સાથે ચાલી. મારા ઘરેથી બહાર નીકળેલાં ધાત્રી, સારસિકા, વર્ષધરો, વૃદ્ધો, વ્યવસ્થાપકો, જુવાનિયાઓ અને દાસીજનથી અનુસરાતી હું પ્રિયતમની આગળ પ્રયાણ કરી રહી હતી.
સોનાનાં આભૂષણથી શણગારેલા ઉત્તમ અશ્વ ૫૨ બેઠેલો મારો પ્રિયતમ તેના મિત્રો સહિત મારી પાછળ આવતો હતો.
મારી ભોજાઈઓ તેમના પરિવાર સાથે મને મળવા આવી હતી.. તેઓ પણ ઉત્તમ વાહનોમાં બેસીને મારી સાથે નગરપ્રવેશમાં જોડાઈ. મોટા માણસોનાં સંકટ ને ઉત્સવ, દોષ ને ગુણ, જવું ને આવવું, પ્રવેશ અને નિર્ગમન લોકોમાં સર્વવિદિત બાબતો હોય છે.
સામૈયું
માંગલિક સૂર્ય, શુભ દક્ષિણ બાજુનાં શકુન અને અનેક મંગળ નિમિત્ત સાથે અમે ઉન્નત દેવદ્વા૨માં (પૂર્વા૨માં) થઈને કૌશાંબીનગરીમાં પ્રવેશ કર્યો.
તે પછી માંગલિક શ્વેત, સુગંધી પુષ્પોથી શણગારેલા, જોવાના કુતૂહલવાળાં નરનારીનાં ટોળાંની બંને બાજુ ભીડવાળા, બંને બાજુ ઊંચા પ્રાસાદોની શ્રેણીથી મંડિત અને હાટોની ઓળથી શોભતા રાજમાર્ગમાં અમે પ્રવેશ્યાં.
જેમ વિકસિત કમળવન પવનના ઝપાટે એક તરફ મુખ વાળે, તેમ લોકોનાં મુખપદ્મોનો સમૂહ અમારા તરફ વળેલો હતો. ઉત્સુક લોકો હાથ જોડીને પ્રેમે ઉભરાતી દષ્ટિ વડે મારા પ્રિયતમને જાણે કે ભેટી રહ્યા હતા. પ્રવાસેથી પાછા આવેલા પ્રિયતમને જોતાં લોકો ધરાતા ન હતા જેમ મેઘસંસર્ગથી મુક્ત બનેલા શરદચંદ્રના ઉદયને જોતાં ન ધરાય તેમ.
-