________________
૨૪૧
તેનું હૃદય કળી જતી જાણે બીજું હૃદય હોયની તેવી બાળસખી, રૂપ વયે સમાન મૃગાંકલેખાએ મલયસુંદરીને હસતાં હસતાં કહ્યું
“બા, આપે કહ્યું તે બરાબર છે, કુમાર ‘અમૃતમય’ તે અમૃતમય જ છે, ખરેખર અમૃતમય જ છે, ચતુરકાના મુખથી મહાભાગના નામાક્ષરો સાંભળતાંની સાથે બેનનો અંતઃસંતાપ ક્યાંયનો ક્યાંય નાશી ગયો.''
મલયસુંદરી–(જરા હસીને) મૃગાંકલેખા ! એમાં નવાઈ શી ? કેમકે મહાત્માઓનો મહિમા અચિંત્ય હોય છે.’’
તિલકમંજરી સ્હેજ ગભરાઈ, નીચું જોઈ ગઈ. પછી આકાર ગોપવ્યો, ભયનો ત્યાગ કર્યો, ધૈર્ય ધારણ કર્યું, ચેષ્ટાઓ દૂર કરી, મનસિજ (કામદેવ) ના ઉલ્લાસો છૂપાવ્યા, પોતાની મહત્તાનો વિચાર કર્યો ને ઉચિતાચારનો વિચાર કરી સમતોલપણું પાછું હાથ ધર્યું.
તાંબૂલદાયિકાના હાથમાંથી કોમળ કરકમળમાં તાંબૂલ લઈ જરા હાથ ત્રાંસો લંબાવી પોતાને હાથે જ મારા હાથમાં આપ્યું.