________________
દ્વિતીય પરિચ્છેદ ૧. કાંચી પર ઘેરો
-
એક દિવસે પ્રાત:કાળે રાજા સભામાં સુવર્ણ સિંહાસન ઉપર બેઠો હતો. પાછળ અંગરક્ષકો ઉઘાડી તલવારે ખડા છે. બન્ને બાજુએ વારાંગનાઓ ચામર વીંજી રહી છે. બાજુએ રાજમાન્ય પુરૂષો ઉચિતાસને ગોઠવાઈ ગયા છે. કેટલાક મિત્ર રાજકુમારો સાથે પિતાને પ્રણામ કરવા આવેલો કુમાર હરિવાહન ચરણ આગળ બેસી ગયો છે. બીજા પણ અમીર ઉમરાવો, શ્રેષ્ઠી સામંતો, પોતપોતાને ઉચિત આસને બેસી ગયા છે. સોનાની છડી લઈ આવતી પ્રતિહારીએ પ્રસ્તુત પ્રસંગમાંથી દરેકનું ધ્યાન ખેચ્યું.
પ્રતિહારીએ રાજા સામે ઘૂંટણીએ પડી હાથ જોડ્યા, ને વિજ્ઞપ્તિ કરીઃ
“મહારાજ ! દંડાધિપતિ વજાયુધના હજુરી વિજયવેગ બહાર ઉભા છે, ને આપનું દર્શન ઈચ્છે છે. શો હુકમ છે ?”
વિજયવેગનું નામ સાંભળી પોતે મોકલેલ બાલાસણ વીંટી રાજાને યાદ આવી.
અરે ! આવવા દે, જલ્દી લાવ.” “જી !” પ્રતિહારી બહાર ગઈ.