________________
સુધારા વધારા કરે તે બધા મેળવીને જે સાચા હોય - અઘરા શબ્દો હોય તે એક પ્રતમાં ફાઈનલ કરીને છપાવવામાં આવે તો પહેલા પણ મહાત્માઓની જ્ઞાન આરાધના થાય અને એમના શુભભાવો ભળે અને પછીના મહાત્માઓને પણ લાભ થાય. એ રીતે જ્ઞાનભક્તિ થઈ શકે એવા વિચારો આવે છે...
એમની ભાવના સાંભળતા મને પણ આનંદ થયો કે ખરેખર આ ઉપયોગી કાર્ય છે. તે માટે પંડિતજી માણેકભાઈ, પંડિતજી અમૃતભાઈ પંડિતજી ચંદ્રકાન્તભાઈ, પંડિતજી રાજુભાઈ વગેરેની સલાહ લેતા બધા તરફથી પ્રોત્સાહન મળ્યું, પ્રતો ઝેરોક્ષ થઈ. જુદા જુદા સાધ્વીજી મહારાજોએ સંશોધન કર્યું. સાધુ ભગવંતોએ પણ એ ચરિત્રો જોયા અને પંડિતજી ચંદ્રકાન્તભાઈ તથા પંડિતજી રાજુભાઈએ પણ પોતાનાં મૂલ્યવાન સમય ફાળવીને નજર કરી.
અંતે દરેક ચરિત્રોને જોઈ ગયો જ્યાં જ્યાં જે જે ઉપયોગી હતું તેનો ઉમેરો કર્યો. શુદ્ધિ કરી વ્યવસ્થિત કર્યા અને ઘણા મહાત્માઓ તથા પંડિત બંધુ બેલડીના સહયોગે તૈયાર થયેલ આ ગ્રંથને છપાવવાનું નક્કી
કરાયું.
ચાતુર્માસ ડીસા હતા. ડીસા સંઘ સાધુ સાધ્વીજી ભગવંતો માટે આરાધના-સ્વાધ્યાય-સંયમ-પઠન-ગોચરી-ધંડીલભૂમિ-દવા-ડૉક્ટરની સગવડતા આદિ ઘણાં કારણોસર અનુકૂળ હોવાથી અમારી સુંદર આરાધના સાથે શ્રીસંઘની આરાધના પણ સારી રીતે થઈ રહી હતી.
એમાં સંઘના પ્રમુખ સુશ્રાવક રમણિકભાઈ સાથે વાત થતાં તેઓએ જ્ઞાનખાતા માટે કાર્ય સૂચવવા જણાવ્યું અને કુદરતી આ સુનમચરિત્રાદિ ગ્રંથનું કાર્ય ચાલતું હતું એટલે આ ગ્રંથની ઉપયોગિતા બતાવી. સુશ્રાવક રમણિકભાઈએ સંઘમાં મિટીંગમાં વાત કરતા શ્રી સંઘે ઉલ્લાસભેર આ જ્ઞાનભક્તિ માટે ભાવ દર્શાવી અમને વાત કરી “આ ગ્રંથના પ્રકાશનનો લાભ અમને મળો” એટલે અમે પણ હા પાડી અને ગ્રંથનું કાર્ય શરૂ કર્યું.