________________
પ્રસ્તાવના વિ.સં. ૨૦૫૯ની સાલનું ચાતુર્માસ મેં પાલીતાણાની તીર્થભૂમિમાં કર્યું. શ્રમણ-શ્રમણીઓ અને દીક્ષાર્થી ભાઈ-બેનોને શાસ્ત્રીય વાચનાઓ આપીને સંયમજીવનનું ઊર્ધીકરણ કરવાનો મારો ઉદેશ હતો.
અપેક્ષા મુજબનું સુંદર પરિણામ મળ્યું. વાચનાઓનું ચાતુર્માસ પૂર્ણ થયા પછી કાયમ માટે આંતર જાગૃતિ જળવાઈ રહે અને તે વધતી રહે, તે માટે બે બાબતો વિચારાઈ.
(૧) “સંયમદૂત” જેવા નામનું માસિક પ્રગટ થાય જેમાં નકરી આત્મહિતકર વાતો હોય, જેનો સ્વાધ્યાય થતો રહે. વિ.સં. ૨૦૬૦ના બેસતા વર્ષે તેનો પહેલો અંક પ્રગટ થશે. ..
(૨) બારથી પંદર શાસ્ત્રોમાંથી એક હજાર જેટલા અત્યન્ત સુંદર શ્લોકો ઉદ્ધત કરવા, બે ભાગમાં પુસ્તકાકારે પ્રગટ કરવા. (અનુવાદ સહિત) જો તે એક હજાર શ્લોકો (રોજનો એક શ્લોક ગોખાય તો ય ત્રણ વર્ષે પુરા ગોખાઈ જાય.) કઠસ્થ કરી લેવાય અને યથાશક્ય રોજ ૩૦૦ થી ૫૦૦ શ્લોકોનો અર્થચિંતન સાથે પાઠ થાય તો રોજબરોજ તાજો વૈરાગ્યભાવ આવિર્ભાવ થતો જાય. સંયમ-જીવનનો આનંદ વર્ધમાન બનતો રહે. એક હજાર શ્લોકોના બે ભાગ કરવામાં આવે, જેથી વિહારાદિમાં સાથે રાખવામાં સરળતા પડે.
દેવ-ગુરુની કૃપાથી આ કાર્ય કમલ પ્રકાશન ટ્રસ્ટે એક જ માસમાં પૂર્ણ કર્યાથી ચાતુર્માસની પૂર્ણાહૂતિ પૂર્વે આ બે ભાગ “જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો” એવા નામકરણ સાથે પ્રગટ થઈ શક્યા અને વાચનાર્થીઓના હાથમાં અર્પણ થયા.
જેમને તે જોઈએ તે સહુ દીક્ષિતો, દીક્ષાર્થીઓ તથા પંડિતો “કમલ પ્રકાશન ટ્રસ્ટને પત્ર લખીને (વિના મૂલ્ય) મંગાવી શકશે. ભિન્ન ભિન્ન ગ્રન્થોમાંથી શ્લોકો ઉદ્ધત કરીને સંગૃહીત કરવાનું કાર્ય મારા સુવિનીત શિષ્ય ગુણવંતવિજયજીએ કર્યું છે. પૂફ રીડીંગનું કાર્ય મારા શિષ્ય જિનપદ્મવિજયજીએ કર્યું છે. આ કાર્ય કરવા બદલ તેમને મારા અંતઃકરણના આશિષ પાઠવું છું.. પાલીતાણા ૨૦૫૯, આસો સુદ ૭મી
ગુરુપાદપદ્મરણ તા. ૩-૧૦-૨૦૦૩
૫. ચન્દ્રશેખરવિજય
લિ.