________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
સુમંગલ-આચાર્યના પ્રતિનિધિઓ જય હો.
શેષકાળમાં વિહારો ચાલુ હોય, એ વખતે એક ઉપાશ્રયમાં જુદા જુદા પાંચ-સાત સાધ્વીગ્રુપો ભેગા થઈ ગયા. ગ્રુપો અલગ, પણ સામાચારી એક હોવાથી પરસ્પર પ્રતિલેખનાદિનો વ્યવહાર ખરો !
એમાં એક સાધ્વીજી...
ઉંમર ખાસ્સી મોટી...
ચાલવામાં પણ ભારે તકલીફ...
‘વોકર’નો ઉપયોગ કરીને એમણે ચાલવું પડે...
પણ એ દિવસની એમની ચર્ચા જોઈને તમામ સાધ્વીઓ મોંમાં આંગળા નાંખી ગયા. વોકરથી ધીમે ધીમે ચાલતા એ વારાફરતી સાધ્વીજીઓ પાસે ફરે, અને કહે
‘લાવો, મને તમારા પડિલેહણનો લાભ આપો...'
‘તમે, રહેવા દો, તમે હવે ઘરડા થયા.' બધા આવો જ જવાબ વાળે.
‘ભલે વૃદ્ધ થઈ, પણ આવું કામ તો હું કરી જ શકું છું. બીજા બધા કામ મારાથી થતા નથી, તો કમસેકમ આટલું કરીને તો ગચ્છભક્તિ કરું...'
અને ખરેખર એ રીતે ઘણા સાધ્વીજીઓના પાત્રાદિ-પડિલેહણનો લાભ લીધો.
(સુમંગલ આચાર્ય આચાર્યદેશમાં અપંગ રાજકુમાર તરીકે જન્મ્યા, પૂર્વભવના શિષ્યોએ એમને પ્રતિબોધ પમાડી દીક્ષા આપી, પણ એ અપંગ હોવાથી વિહાર કરી શકતા ન હતા. શિષ્યો એમને ખભે ઉંચકીને વિહાર કરાવતા. એ રીતે ભૂતપૂર્વગુરુનું ઋણ ચૂકવતા.
તો એની સામે સુમંગલાચાર્ય (અત્યારે રાજકુમારનો ભવ)પણ ઉપાશ્રયમાં ઢસડાતા ઢસડાતા બધાના સ્થાને પહોંચીને બધાના પાત્રાદિપ્રતિલેખનનો લાભ લેતા.
આત્મા ધારે, તો શું ન કરી શકે ?...
નાની-મોટી માંદગીમાં તરત જ સેવા લેવા બેસી જવું, બીજાના વૈયાવચ્ચ કરવાના સ્વભાવનો દુરુપયોગ કરવો, સ્વાધીન જીવન જીવવાની શક્તિ હોવા છતાં પણ હાથે કરીને પરાધીન જીવન જીવવું, આળસુ બનવું, બીજા ૫૨ બોજા રૂપ બનવું... એ વ્યાજબી કેટલું ? કલ્પના કરો આ સાધ્વીજી માટે!
વોકરથી જ ચાલવું પડે, એમણે બીજાની વૈયાવચ્ચ ન કરવાનો કાયદેસર હક્ક જ મળી જાય ને ? આપણે હોઈએ, તો એમ જ કરીએ ને ?
એને બદલે...
કરોડો વંદન હો એમના આ ઉદાત્ત સ્વભાવને !)
८८